Hosea 3 (IRVG)
1 યહોવાહે મને કહ્યું, “ફરીથી જા, ઇઝરાયલ લોકો બીજા દેવો તરફ વળી જાય છે અને સૂકી દ્રાક્ષોને પ્રેમ કરે છે છતાં તેમના યહોવાહ તેમના પર પ્રેમ કરે છે તેવી જ રીતે તું તેના પ્રેમીને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી પર પ્રીતિ કર.” 2 તેથી મેં તેને પોતાને માટે પંદર સિક્કા ચાંદી અને સાત મણ જવ આપીને વેચાતી લીધી. 3 મેં તેને કહ્યું, “ઘણા દિવસ સુધી તું મારી સાથે રહેજે. તું વ્યભિચાર કરીશ નહિ, બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહિ. એ જ રીતે હું તારી સાથે છું.” 4 કેમ કે ઇઝરાયલી લોકો ઘણા દિવસો સુધી રાજા વગર, રાજકુમારો વગર, બલિદાન વગર, ભજનસ્તંભ વગર, એફોદ વગર કે ઘરની મૂર્તિઓ વગર રહેશે. 5 ત્યારબાદ ઇઝરાયલી લોકો પાછા આવીને યહોવાહ પોતાના ઈશ્વરની અને પોતાના રાજા દાઉદની શોધ કરશે. અને પાછલા દિવસોમાં તેઓ ભયસહિત યહોવાહની આગળ આવશે અને તેમની ઉદારતાનો આશ્રય લેશે.