2 Chronicles 20 (IRVG)
1 આ પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓ અને તેઓની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટ સામે લડવા આવ્યા. 2 કેટલાકે યહોશાફાટને ખબર આપી, “એક મોટું લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અરામથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે,” તે લોકો હાસસોન-તામાર એટલે કે એન-ગેદીમાં છે. 3 યહોશાફાટ ગભરાઈ ગયો અને તેણે પોતે ઈશ્વરની સહાય માગી. તેણે આખા યહૂદિયામાં ઉપવાસ જાહેર કર્યો. 4 યહૂદિયાવાસીઓ ઈશ્વરની મદદ માગવા ભેગા થયા. તેનાં સર્વ નગરોમાંથી તેઓ ઈશ્વરની પ્રાર્થના કરવા આવ્યા. 5 યહોશાફાટ ઈશ્વરના સભાસ્થાનની સામે નવા ચોક સામે યરુશાલેમ અને યહૂદિયાની લોકોની સભામાં ઊભો થયો. 6 તેણે કહ્યું, “હે ઈશ્વર, અમારા પિતૃઓના પ્રભુ, શું તમે સ્વર્ગમાંના ઈશ્વર નથી? શું બધી પ્રજાઓના રાજ્યો ઉપર તમે અધિકારી નથી? બળ અને પરાક્રમ તમારા હાથમાં છે. તેથી કોઈ તમારી સામે ટકી શકતું નથી. 7 અમારા ઈશ્વર, શું તમે જ આ દેશના રહેવાસીઓને નસાડી મૂકીને ઇબ્રાહિમના વંશજોને, ઇઝરાયલના લોકોને એ દેશ આપ્યો નહોતો? 8 તમારા લોકો એ દેશમાં રહ્યા અને તેઓએ તમારા નામ માટે એક પવિત્રસ્થાન બાંધ્યું અને કહ્યું, 9 ‘આ પવિત્રસ્થાનમાં તમારો વાસ છે. એટલે જો અમારા પર કોઈ આફત આવે, એટલે ન્યાયાસનની તલવાર, મરકી કે દુકાળ આવે તો અમે આ સભાસ્થાનની સમક્ષ ઊભા રહીને તમારું નામ આ ઘરમાં છે માટે તે સંકટ સમયે અમે તમને પ્રાર્થના કરીશું અને તમે અમને સાંભળજો અને બચાવી લેજો.’” 10 અગાઉ જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વત પરના લોકો પર ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર આવતા હતા ત્યારે તમે હલ્લો કરવા દીધો ન હતો પણ તેના બદલે ઇઝરાયલ તેઓ દૂર વળી ગયા અને એ લોકોનો નાશ થવા દીધો નહિ. 11 હવે જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે? તમે અમને જે દેશ વારસા તરીકે આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે. 12 અમારા ઈશ્વર, શું તમે તેઓનો ન્યાય નહિ કરો? કેમ કે અમારી સામે જે મોટું સૈન્ય ધસી આવી રહ્યું છે તેનો સામનો કરવાને અમારામાં શક્તિ નથી. શું કરવું એની અમને સમજ પડતી નથી, પણ અમે તો તમારા તરફ જોઈએ છીએ.” 13 યહૂદિયાના બધા લોકો, નાનામોટાં સર્વ, તેઓની પત્નીઓ અને તેઓનાં બાળકો ઈશ્વર સમક્ષ ઊભા રહ્યાં. 14 પછી તે સભાની વચ્ચે યાહઝીએલ, જે લેવી આસાફના પુત્ર, માત્તાન્યાના પુત્ર, યેઈએલના પુત્ર, બનાયાના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર હતો તેના ઉપર ઈશ્વરનો આત્મા આવ્યો. 15 યાહઝીએલે કહ્યું, “સમગ્ર યહૂદિયાના તથા યરુશાલેમના બધા રહેવાસીઓ અને રાજા યહોશાફાટ સાંભળો ઈશ્વર તમને કહે છે: ‘ડરશો નહિ; આ મોટા સૈન્યથી નાહિંમત થશો નહિ. કેમ કે આ યુદ્ધ તમારું નહિ પણ ઈશ્વરનું છે. 16 આવતી કાલે તમે તેઓની સામે લડવા નીકળી પડો. જુઓ, તેઓ સીસના ઢોળાવ પર થઈને આવે છે, યરુએલના અરણ્યની સામે ખીણના છેડે તેઓ તમને સામે મળશે. 17 આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહૂદિયા અને યરુશાલેમના લોકો તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લે છે. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે.’” 18 રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ લોકોએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી. 19 કહાથ અને કોરાહના કુળના લેવીઓ ઇઝરાયલના ઈશ્વરની ઊંચા સ્વરે સ્તુતિ કરવા ઊભા થયા. 20 બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઈને કહ્યું, “યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ મને ધ્યાનથી સાંભળો! તમારા પ્રભુ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને તમે સ્થિર થશો. તેના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખો. તમે સફળ થશો.” 21 જયારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યારપછી સૈન્યની આગળ ચાલતાં ચાલતાં ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા ‘ઈશ્વરનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે’ એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા.” 22 તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યુ, ત્યારે ઈશ્વરે જેઓ યહૂદિયાની સામે ચઢી આવ્યા હતા તેઓએ એટલે આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા. 23 આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઈર પર્વતના સૈન્યની વિરુદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓએ માંહોમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કર્યો. 24 યહૂદિયાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલા જોયા. એક પણ માણસ જીવતો રહ્યો નહોતો. 25 જયારે યહોશાફાટ રાજા અને તેના લોકો તેઓ પાસેથી લૂંટ એકત્ર કરવા લાગ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, પોશાક, કિંમતી દાગીનાઓ મળ્યા તેઓ ઊંચકી ના શકે તેટલું બધું તેઓએ પોતાના માટે ઉતારી લીધું. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઈ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા. 26 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ બરાખા આશીર્વાદની ખીણ પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે. 27 પછી યહૂદિયા તથા યરુશાલેમના તમામ માણસો આનંદ સાથે યરુશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેઓને આગેવાની આપતો હતો; ઈશ્વરે તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો. 28 તેઓ સિતાર, વીણા તથા રણશિંગડાં વગાડતા વગાડતા યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા. 29 ઈશ્વરે ઇઝરાયલના શત્રુઓ સામે જે કર્યુ તે જયારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા. 30 તેથી યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, તેને ઈશ્વરે સંપૂર્ણ વિશ્રામ આપ્યો હતો. 31 યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો: જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અઝૂબાહ હતું, એ શિલ્હીની દીકરી હતી. 32 તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો; તે તેના માગેર્થી જરા પણ આડોઅવળો ગયો નહિ; ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. 33 પણ દેવદેવીઓનાં ઉચ્ચસ્થાનો નષ્ટ કરવામાં આવ્યાં નહિ. લોકો હજુ સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંતઃકરણથી ભરોસો રાખતા થયા ન હતા. 34 યહોશાફાટ સંબંધી બાકીના બનાવો પ્રથમથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યેહૂની તવારિખમાં કે જે ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે, તેમાં નોંધેલા છે. 35 ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયલના રાજા અહાઝયાહની સાથે સંપ કર્યો, તે તો ઘણો દુરાચારી હતો. 36 તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં. 37 પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, “તેં અહાઝયાહની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે.” એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.
In Other Versions
2 Chronicles 20 in the ANTPNG2D
2 Chronicles 20 in the BNTABOOT
2 Chronicles 20 in the BOATCB2
2 Chronicles 20 in the BOGWICC
2 Chronicles 20 in the BOHNTLTAL
2 Chronicles 20 in the BOILNTAP
2 Chronicles 20 in the BOKHWOG
2 Chronicles 20 in the KBT1ETNIK
2 Chronicles 20 in the TBIAOTANT