2 Samuel 13 (IRVG)
1 દાઉદનો દીકરો આમ્નોન તેની સાવકી બહેન તામાર પ્રત્યે મોહિત થયો. તે ખૂબ સુંદર હતી. આબ્શાલોમ તેનો સગો ભાઈ હતો. તે પણ દાઉદનો દીકરો હતો. 2 આમ્નોન ખુબ હતાશ હતો અને તે પોતાની બહેન તામાર પ્રત્યેના તલસાટને કારણે બીમાર પડ્યો. તે કુંવારી હતી એટલે તેની સાથે કશું ખોટું કરવું તે આમ્નોનને મુશ્કેલ હતું. 3 આમ્નોનને યોનાદાબ નામે એક મિત્ર હતો તે દાઉદના ભાઈ શિમઆનો દીકરો હતો. યોનાદાબ ઘણો હોશિયાર માણસ હતો. 4 યોનાદાબે આમ્નોનને કહ્યું કે, “હે રાજકુંવર, તું દરરોજ કેમ દુઃખી રહે છે? શું તું મને નહિ કહે?” તેથી આમ્નોને તેને ઉત્તર આપ્યો, “હું મારા ભાઈ આબ્શાલોમની બહેન તામારના પ્રેમમાં પડ્યો છું.” 5 પછી યોનાદાબે તેને કહ્યું કે, તું તારા “પલંગ ઉપર સૂઈ રહે અને બીમાર હોવાનો ઢોંગ કર. જયારે તારા પિતા તને જોવા આવે, ત્યારે તેને કહેજે કે, ‘કૃપા કરીને શું તમે મારી બહેન તામારને મને ખાવાને અન્ન આપવા અને મારા માટે ભોજન બનાવવા સારુ મોકલો, કે જેથી હું તેને જોઈને તેના હાથથી ખાઉં?” 6 તેથી આમ્નોન સૂઈ ગયો અને બીમાર હોવાનો ઢોંગ કર્યો. રાજા તેની ખબર જોવા આવ્યો, ત્યારે આમ્નોને રાજાને કહ્યું, “કૃપા કરી મારી બહેન તામારને મોકલો, કે તે મારા દેખતાં મારે માટે થોડી રસોઈ બનાવે અને હું તેના હાથે ખાઉં.” 7 ત્યારે દાઉદે તેના મહેલમાં તામારને સંદેશો કહેવડાવ્યો કે, “હમણાં તારા ભાઈ આમ્નોનને ઘરે જઈને તેને સારુ ખોરાક તૈયાર કર.” 8 તેથી તામાર પોતાના ભાઈ આમ્નોનને ઘરે ગઈ. ત્યાં તે સૂઈ રહ્યો હતો. તેણે લોટ લઈને તેના દેખતાં રોટલી બનાવી અને શેકી. 9 પછી તેણે તવામાંથી રોટલી લઈને તેને આપી, પણ આમ્મોને તે ખાવાની ના પાડી. પછી આમ્નોને ત્યાં હાજર રહેલાઓને કહ્યું, “સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દો.” તેથી સર્વ તેની પાસેથી બહાર ગયા. 10 પછી આમ્નોને તામારને કહ્યું, “ખોરાક મારા ઓરડામાં લાવ કે હું તારા હાથથી તે ખાઉં.” પછી જે રોટલી તેણે બનાવી હતી તે લઈને તેના ભાઈ આમ્નોનના શયનગૃહમાં આવી. 11 જયારે તે તેની પાસે ખોરાક લાવી, ત્યારે તેણે તેને પકડીને કહ્યું, “મારી બહેન, આવ, મારી સાથે સૂઈ જા.” 12 તામારે તેને ઉત્તર આપ્યો કે, “નહિ, મારા ભાઈ, મારી સાથે બળજબરી કરીશ નહિ, કેમ કે આવું કશું કૃત્ય ઇઝરાયલમાં થવું ન જોઈએ. આવું આઘાતજનક કાર્ય ન કર! 13 હું આ મારા જીવનમાં આબરુહીન થઈને ક્યાં જાઉં? વળી આ કૃત્યને કારણે આખા ઇઝરાયલમાં તું બહુ મોટો મૂર્ખ જેવો બનીશ. મહેરબાની કરીને, હું તને કહું છું કે તું રાજાને કહે. તે તને મારી સાથે લગ્ન કરવાની મંજૂરી આપશે.” 14 પણ આમ્નોને તેનું કહેવું ગણકાર્યું નહિ. તે તેના કરતાં બળવાન હોવાથી, તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો. 15 પછી આમ્નોનને તેના પર અતિશય ધિક્કાર ઉપજ્યો, તે તેને ચાહતો હતો તે કરતાં તેને વધારે તેને ધિક્કારવા લાગ્યો. આમ્નોને તેને કહ્યું, “ઊઠીને જતી રહે.” 16 તેણે તેને જવાબ આપ્યો કે, “હું જવાની નથી. કારણ કે તેં મારી સાથે જે કર્યું છે તે કરતાં મને કાઢી મૂકવી એ વધારે ખરાબ છે.” પણ આમ્નોને તેનું કહેવું સાંભળ્યું નહિ. 17 તેણે પોતાના અંગત ચાકરને બોલાવીને કહ્યું કે,” આ સ્ત્રીને મારી પાસેથી બહાર કાઢી મૂક અને પછીથી બારણું બંધ કર.” 18 પછી તેના ચાકરોએ તેને બહાર કાઢી મૂકી અને બારણું અંદરથી બંધ કરી દીધું. તામારે નવરંગી વસ્ત્ર પહેરેલું હતું. કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવા વસ્ત્ર પહેરતી હતી. 19 તામારે પોતાના માથા પર રાખ નાખી અને તેણે પહેરેલું વસ્ત્ર ફાડ્યું. તે પોતાના હાથ માથા પર મૂકીને પોક મૂકીને રડતી રડતી ચાલી ગઈ. 20 તેના ભાઈ આબ્શાલોમે તેને કહ્યું કે, શું તારો ભાઈ આમ્નોને તને કશું કર્યુ છે? પણ હવે શાંત થઈ જા, મારી બહેન તે તારો ભાઈ છે. એને લીધે અંતર ખેદિત કરીશ નહિ.” તેથી તામાર પોતાના ભાઈ આબ્શાલોમના ઘરે એકલી રહી. 21 પણ જયારે દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. 22 આબ્શાલોમે પોતાના ભાઈ આમ્નોનને કશું કહ્યું નહિ, પણ આબ્શાલોમે તેનો તિરસ્કાર કર્યો, કારણ કે તેણે તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો હતો. 23 બે વર્ષ થયા પછી એમ થયું કે, એફ્રાઇમે નજીકના બાલ-હાસોરમાં આબ્શાલોમ પાસે ઘેટાં કાતરનારાઓને કામે બોલાવ્યા હતા, ત્યાં આબ્શાલોમે રાજાના સર્વ કુંવરોને આમંત્રણ આપ્યું હતું. 24 આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજા જો હવે, તારા દાસ પાસે ઘેટાં કાતરનારાઓ છે. કૃપા કરી, રાજા તથા તેના ચાકરોને તમારા સેવક સાથે આવવાની પરવાનગી આપો.” 25 રાજાએ આબ્શાલોમને જવાબ આપ્યો કે, “નહિ, મારા દીકરા, અમે સર્વ તો નહિ આવીએ, કારણ કે અમે તને ભારરૂપ થઈએ.” આબ્શાલોમે રાજાને આગ્રહ કર્યો, પણ તે ગયો નહિ, પણ છતાં તેણે તેને આશીર્વાદ આપ્યો. 26 પછી આબ્શાલોમે કહ્યું કે, “જો એમ નહિ તો, કૃપા કરી મારા ભાઈ આમ્નોનને મારી સાથે આવવા દે.” તેથી રાજાએ તેને કહ્યું, “શા માટે આમ્નોન તારી સાથે આવે?” 27 આબ્શાલોમે દાઉદને આગ્રહ કર્યો અને તેથી તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા. 28 આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, ‘આમ્નોન પર હુમલો કરો,’ ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.” 29 તેથી આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને પૂરો કરી નાખ્યો. પછી રાજાના સઘળા પુત્રો ઊઠ્યા અને દરેક પોતપોતાના ગધેડા પર બેસીને નાસી ગયા. 30 તેઓ માર્ગમાં જતા હતા, એવામાં દાઉદને એવા સમાચાર મળ્યા કે, આબ્શાલોમે તમામ રાજકુંવરોને મારી નાખ્યા છે અને તેઓમાંથી કોઈને પણ જીવતો રહેવા દીધો નથી.” 31 પછી રાજાએ ઊઠીને પોતાના વસ્ત્રો ફાડ્યાં અને તે જમીન પર સૂઈ ગયો; તેની સાથે તેના સર્વ ચાકરો પણ ફાટેલાં વસ્ત્ર સાથે તેની પાસે ઊભા રહ્યા. 32 પણ દાઉદના ભાઈ, શિમઆના પુત્ર, યોનાદાબે દાઉદને કહ્યું, “મારા માલિક એવું માની લેવાની જરૂર નથી. આબ્શાલોમે રાજાના સર્વ જુવાન દીકરાઓને મારી નાખ્યા છે, તમામને નહિ ફક્ત આમ્નોનને જ મારી નાખવામાં આવ્યો છે. જે દિવસે આમ્નોને તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો, ત્યારથી આબ્શાલોમે આ તરકટ રચ્યું હતું. 33 માટે હવે રાજાના સર્વ દીકરાઓ મરણ પામ્યા છે, એમ ધારીને મારા માલિક પોતાના મનમાં દુઃખી થવું નહિ, કેમ કે, ફક્ત આમ્નોન એકલો જ મરણ પામ્યો છે. 34 આબ્શાલોમ દૂર નાસી ગયો. જે ચાકર ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ પર્વતબાજુની પશ્ચિમદિશાના માર્ગેથી ઘણાં લોકો તેની પાસે આવતા હતા. 35 પછી યોનાદાબે રાજાને કહ્યું કે, “જુઓ, રાજાના દીકરાઓ આવ્યા છે. જેમ મેં કહ્યું તે પ્રમાણે જ છે.” 36 જયારે યોનાદાબે પોતાની વાત પૂર્ણ કરી અને તે જ સમયે રાજાના દીકરાઓ ત્યાં આવી પહોંચ્યા તેઓએ ઊંચા અવાજે રુદન કર્યું. તેઓની સાથે રાજા અને તેના સર્વ ચાકરોએ પણ વિલાપ કર્યો. 37 પણ આબ્શાલોમ નાસીને ગશૂરના રાજા, આમ્મીહૂદના દીકરા તાલ્માયની પાસે ગયો. દાઉદ પોતાના દીકરાને યાદ કરીને દરરોજ આક્રંદ કરતો હતો. 38 આબ્શાલોમ નાસીને ગશૂર ચાલ્યો ગયો ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહ્યો. 39 દાઉદ રાજાને આબ્શાલોમને મળવાની તીવ્ર ઉત્કંઠા થતી હતી, કેમ કે આમ્નોનના મરણ પછી હવે તેણે સાંત્વના અનુભવ્યું હતું.