Judges 8 (IRVG)
1 એફ્રાઇમના પુરુષોએ ગિદિયોનને કહ્યું, “તું અમારી સાથે આમ કેમ વર્ત્યો છે? જયારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા નહિ.” અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો. 2 તેણે તેઓને કહ્યું, “તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં તો કશું કર્યુ નથી? એફ્રાઇમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી? 3 ઈશ્વરે તમને મિદ્યાનીઓના ઓરેબ તથા ઝએબ સરદારોની ઉપર વિજય અપાવ્યો! તમારી સાથે સરખામણીમાં હું શું કરી શક્યો છું?” જયારે તેણે આમ કહ્યું, ત્યારે તેઓ ઠંડા પડ્યા. 4 ગિદિયોન યર્દન નદી આગળ આવ્યો અને તે તથા તેની સાથેના ત્રણસો માણસો પાર ઊતર્યા. તેઓ થાકેલાં હતા, તેમ છતાં તેઓ શત્રુઓની પાછળ લાગેલા હતા. 5 તેણે સુક્કોથના લોકોને કહ્યું, “કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો, કેમ કે તેઓ થાકેલાં છે અને હું મિદ્યાનના ઝેબા તથા સાલ્મુન્ના રાજાઓની પાછળ પડ્યો છું.” 6 સુક્કોથના આગેવાનોએ કહ્યું, “ઝેબા તથા સાલ્મુન્નાના હાથ હાલ શું તારા હાથમાં છે કે અમે તારા સૈન્યને રોટલી આપીએ?” 7 ગિદિયોને કહ્યું, “જયારે ઈશ્વરે આપણને ઝેબા તથા સાલ્મુન્ના ઉપર વિજય આપ્યો છે, ત્યારે જંગલના કાંટાથી તથા ઝાંખરાથી હું તમારાં શરીર ઉઝરડી નાખીશ.” 8 ત્યાંથી તે પનુએલ ગયો અને ત્યાં લોકોને તે જ રીતે કહ્યું, જેમ સુક્કોથના લોકોએ ઉત્તર આપ્યો હતો તેવો જ ઉત્તર પનુએલના લોકોએ પણ તેને આપ્યો. 9 તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “જયારે હું શાંતિથી પાછો આવીશ, ત્યારે હું તમારો આ કિલ્લો તોડી પાડીશ.” 10 હવે ઝેબા તથા સાલ્મુન્ના કાર્કોરમાં હતા તેઓનું સૈન્ય સાથે હતા, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા લગભગ પંદર હજાર માણસો, તેઓની સાથે હતા. કેમ કે એક લાખ અને વીસ હજાર શૂરવીરો માર્યા ગયા હતા. 11 ગિદિયોને નોબાહની તથા યોગ્બહાહની પૂર્વ બાજુએ તંબુમાં રહેનાર લોકોના માર્ગે જઈને દુશ્મનોને માર્યા. તેણે દુશ્મનોના સૈન્યને હરાવ્યા, કેમ કે તેઓ હુમલો કરવા માટે નિર્ભય હતા. 12 ઝેબા તથા સાલ્મુન્ના નાઠા, ત્યારે ગિદિયોન તેઓની પાછળ પડ્યો હતો, તેણે મિદ્યાનના રાજાઓ ઝેબા તથા સાલ્મુન્નાને પકડીને તેઓના સૈન્યનો પરાજય કર્યો. 13 યોઆશનો દીકરો ગિદિયોન, હેરેસથી પસાર થઈને લડાઈમાંથી પાછો ફર્યો. 14 તેણે સુક્કોથના માણસોમાંથી એક જુવાનને પકડીને સૂર્યોદય વખતે પૂછ્યું, ત્યારે તે જુવાન માણસે સુક્કોથના આગેવાનોને તથા તેઓના વડીલો જે સિત્તોતેર હતા તેઓની માહિતી તેઓને આપી. 15 ગિદિયોને સુક્કોથના લોકોની પાસે આવીને કહ્યું, “ઝેબા તથા સાલ્મુન્નાને જુઓ, તેઓ સંબંધી તમે એમ કહીને મને મહેણું માર્યું હતું કે, ‘શું હાલ ઝેબા તથા સાલ્મુન્નાના હાલ તારા હાથમાં છે કે અમારે તારા થાકેલાં માણસોને રોટલી આપવી જોઈએ?” 16 ગિદિયોને નગરના વડીલોને પકડીને જંગલના કાંટા તથા ઝાંખરાં લઈને તે વડે સુક્કોથના લોકોને શિક્ષા કરી. 17 વળી તેણે પનુએલનો કિલ્લો તોડી પાડ્યો અને તે નગરના માણસોનો સંહાર કર્યો. 18 ત્યારે ગિદિયોને ઝેબા તથા સાલ્મુન્નાને કહ્યું, “તાબોરમાં જે લોકોની તમે કતલ કરી તે કેવા માણસો હતા?” તેઓએ ઉત્તર આપ્યો, “જેવો તું છે, તેવા તેઓ હતા. તેઓમાંનો પ્રત્યેક વ્યક્તિ રાજાના દીકરા જેવો દેખાતો હતો.” 19 ગિદિયોને કહ્યું, “તેઓ મારા ભાઈ, એટલે મારી માતાના દીકરા હતા. હું જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે, જો તેઓના જીવ તમે બચાવ્યા હોત, તો હું તમને મારી નાખત નહિ.” 20 તેણે તેના પ્રથમજનિત દીકરા યેથેરને કહ્યું, “ઊઠ તેઓને મારી નાખ!” પણ તે જુવાન માણસે પોતાની તલવાર તાણી નહિ, તે ગભરાયો, કેમ કે તે હજી જુવાન હતો. 21 પછી ઝેબા તથા સાલ્મુન્નાએ કહ્યું, “તું ઊઠીને અમને મારી નાખ! કેમ કે જેવું માણસ, તેવું તેનું બળ.” ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્નાને મારી નાખ્યા. અને તેઓનાં ઊંટોનાં ગળા પરના ચંદ્રઆકારના દાગીના લઈ લીધા. 22 ત્યારે ઇઝરાયલના માણસોએ ગિદિયોનને કહ્યું, “તું અમારા પર રાજ કર. તું, તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો - કેમ કે મિદ્યાનના હાથમાંથી તેં અમને ઉગાર્યા છે.” 23 ગિદિયોને તેઓને કહ્યું, “તમારા પર હું રાજ નહિ કરું અને મારો દીકરો પણ રાજ નહિ કરે. ઈશ્વર તમારા પર રાજ કરશે.” 24 ગિદિયોને તેઓને કહ્યું, “હું તમને એક વિનંતી કરવા ચાહું છું કે જે સર્વ કુંડળ તમે લૂંટ્યાં છે તે મને આપો.” કેમ કે તેઓ ઇશ્માએલીઓ હતા, માટે તેઓનાં કુંડળ સોનાનાં હતાં. 25 તેઓએ જવાબ આપ્યો, “અમે ખુશીથી તે આપીશું.” અને વસ્ત્ર પાથરીને તેઓમાંના પ્રત્યેક માણસે પોતે લૂંટેલાં કુંડળ તેમાં નાખ્યાં. 26 સોનાનાં જે કુંડળો તેણે માંગી લીધાં, તેનું વજન એક હજાર સાતસો શેકેલ હતું. તે ઉપરાંત તેમાં કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓના અંગ પરનાં જાંબુડીયા વસ્ત્ર તથા તેઓનાં ઊંટોના ગળામાંની સાંકળ હતી. 27 ગિદિયોને કુંડળોનું એક એફોદ બનાવ્યું અને પોતાના નગર ઓફ્રામાં તે મૂક્યું અને સર્વ ઇઝરાયલીઓએ તેની ઉપાસના કરીને પોતાને વ્યભિચારમાં વટાળ્યાં. તે ગિદિયોનને તથા તેના કુટુંબને માટે ફાંદારૂપ થઈ પડ્યું. 28 તેથી મિદ્યાનીઓ ઇઝરાયલી લોકો આગળ હારી ગયા અને તેઓએ ફરી પોતાનાં માથાં ઊંચા કર્યા નહિ. અને ગિદિયોનના દિવસોમાં ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. 29 યોઆશનો દીકરો યરુબાલ પોતાના ઘરમાં રહ્યો. 30 ગિદિયોનને સિત્તેર દીકરા થયા હતા, કેમ કે તેને ઘણી પત્નીઓ હતી. 31 શખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેણે પણ તેને માટે એક દીકરાને જન્મ આપ્યો અને ગિદિયોને તેનું નામ અબીમેલેખ પાડ્યું. 32 યોઆશનો દીકરો ગિદિયોન, ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને અબીએઝેરીઓના ઓફ્રામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દફનાવવામાં આવ્યો. 33 ગિદિયોનના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલના લોકોએ પાછા ફરીને બઆલની પૂજા કરીને વ્યભિચાર કર્યો, તેઓએ બઆલ-બરીથને પોતાનો દેવ માન્યો. 34 જેમણે ચારે તરફના સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા, તે તેમના પ્રભુ, ઈશ્વરનો આદર ઇઝરાયલના લોકોએ કર્યો નહિ. 35 જે સર્વ ભલાઈ ઇઝરાયલના લોકો પ્રત્યે યરુબાલે એટલે ગિદિયોને દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના ઘર પર ભલાઈ રાખી નહિ.