Exodus 29 (IRVG)
1 યાજકો તરીકે હારુન અને તેના પુત્રોને શુદ્ધ કરવા માટેની વિધિ આ પ્રમાણે છે. ખોડખાંપણ વગરનાં બે ઘેટાં અને એક વાછરડો લેવો 2 બેખમીરી રોટલી, તેલથી મોહેલી બેખમીરી ભાખરી અને તેલ ચોપડેલી બેખમીરી રોટલી લેવી. આ બધું ઘઉંના મેંદાનું બનાવવું. 3 તેઓને ટોપલીમાં મૂકવાં અને વાછરડો તથા બે ઘેટાં સાથે તે લાવવું. 4 ત્યારબાદ હારુન અને તેના પુત્રોને મુલાકાતમંડપનાં દ્વાર પાસે લાવીને તેઓને સ્નાન કરાવજે. 5 પછી હારુનને જામો, ભરતકામવાળો ઝભ્ભો, એફોદ, ઉરાવરણ અને કમરબંધ પહેરાવજે. 6 અને તેના માથા પર પાઘડી પહેરાવીને તેની સાથે દીક્ષાનો પવિત્ર મુગટ મૂકજે. 7 પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માથા પર રેડી, તેનો અભિષેક કરજે. 8 ત્યારબાદ તું તેના પુત્રોને લાવજે, તેઓને જામા પહેરાવવા, કમરે કમરબંધ તથા માથે ફેંટા બાંધવા. 9 મારા શાશ્વત કાનૂન અનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે. 10 ત્યારબાદ વાછરડાને મુલાકાતમંડપની આગળ લઈ આવવો અને હારુન અને તેના પુત્રોએ તેના માથા ઉપર હાથ મૂકવા. 11 પછી યહોવાહની સંમુખ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાછરડાનો વધ કરવો. 12 વાછરડાનું થોડું રક્ત લઈને આંગળી વડે વેદીનાં શિંગોને લગાડવું, પછી બાકીનું બધું રક્ત વેદીના પાયા આગળ રેડી દેવું. 13 પછી અંદરના ભાગો પર આવેલી બધી જ ચરબી લેવી. પિત્તાશય અને બે મૂત્રપિંડની ઉપર આવેલી ચરબી પણ લઈ લેવી અને વેદી પર તેનું દહન કરવું. 14 પરંતુ વાછરડાના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે. 15 ત્યારબાદ એક ઘેટો લઈને હારુને અને તેના પુત્રોએ તેના માથા પર હાથ મૂકવા. 16 પછી એ ઘેટાંનો વધ કરીને, તેનું રક્ત લઈને વેદીની ચારે બાજુએ છાંટવું. 17 પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવા, પછી તેઓને માથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવા. 18 પછી આખા ઘેટાંનું વેદી પર દહન કરવું એ યહોવાહના માનમાં દહનીયાર્પણ છે. એની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું, એ મારા માનમાં કરેલો હોમયજ્ઞ છે. 19 હવે પછી બીજો ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માથા પર હાથ મૂકવા. 20 પછી તે ઘેટાંનો વધ કરીને તેનું થોડું રક્ત લઈને હારુન અને તેના પુત્રોના જમણા કાનની બૂટીને, જમણા હાથનાં અંગૂઠાને તથા જમણા પગના અંગૂઠાને લગાડવું. 21 ત્યારબાદ બાકીનું રક્ત વેદીની ચારે બાજુ છાંટી દેવું. વેદી ઉપરના રક્તમાંથી થોડું રક્ત અને અભિષેકનું તેલ લઈ હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો પર અને તેઓનાં વસ્ત્રો પર છાંટવું એટલે તેઓ તથા તેઓનાં વસ્ત્રો યહોવાહને અર્થે પવિત્ર ગણાશે. 22 પછી ઘેટાંના ચરબીવાળા ભાગ લેવા; તેની પૂંછડી, અંદરના અવયવો પરની ચરબી, કાળજા પરની ચરબી અને ચરબી સાથે જ મૂત્રપિંડો અને જમણી જાંધ લેવી કારણ કે હારુન અને તેના દીકરાઓની દીક્ષા માટેનો આ ઘેટો છે. 23 યહોવાહ આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી. 24 એ બધું હારુનના અને તેના પુત્રોના હાથ પર મૂકવું અને એના વડે યહોવાહની આરાધના કરવી. 25 પછી તેઓના હાથમાંથી તું તે લઈ લે અને યહોવાહ સમક્ષ દહનીયાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરજે. એની સુવાસથી હું પ્રસન્ન છું. એ મારા માનમાં કરેલું દહનીયાર્પણ છે. 26 પછી હારુનની દીક્ષા માટે વપરાયેલા ઘેટાંની છાતી લઈને તેના વડે યહોવાહની ઉપાસના કરવી પછી એ તારો હિસ્સો ગણાશે. 27 હારુન અને તેના પુત્રોની દીક્ષા માટે વપરાયેલાં અને જેના વડે ઉપાસના કરાઈ છે તે અને ભેટ ધરાવેલી ઘેટાંની છાતી અને જાંઘ તારે યાજકો માટે પવિત્ર કરીને અલગ રાખવાં. 28 તે હારુનનો તથા તેના પુત્રોનો ઇઝરાયલ પુત્રો પાસેથી સદાનો નિયમ થશે. કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે; અને તે ઇઝરાયલપુત્રો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞોનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાહને સારુ તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય. 29 હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં અને હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને તે વારસામાં આપવાં. પેઢી દર પેઢી તેઓ પોતાની અભિષેકની દીક્ષાવિધિ વખતે તે પહેરે. 30 હારુન પછી જે કોઈ મુખ્ય યાજક થાય તે મુલાકાતમંડપમાં અને પવિત્રસ્થાનમાં સેવા શરૂ કરે તે અગાઉ સાત દિવસ સુધી આ વસ્ત્રો ધારણ કરે. 31 દીક્ષા માટે અર્પણ કરાયેલ ઘેટાંનું માંસ લઈને કોઈ શુદ્ધ જગ્યાએ તેને બાફવું. 32 ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાંનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું. 33 તેમની દીક્ષાવિધિ વખતે તેમની પ્રાયશ્ચિત વિધિ માટે ઉપયોગમાં લેવાયેલ પદાર્થો જ ખાવા; યાજકો સિવાય અન્ય કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ તે ખાવા નહિ કારણ એ પવિત્ર છે. 34 સવાર સુધી જો માંસ કે રોટલીમાંથી કાંઈ વધે તો તેને અગ્નિમાં બાળી મૂકવું પણ ખાવું નહિ, કારણ એ પવિત્ર છે. 35 હારુન અને તેના પુત્રોને મેં જે આજ્ઞા કરી છે તે મુજબ જ કરવું. એમની દીક્ષાની વિધિ સાત દિવસ ચલાવવી. 36 દરરોજ પાપાર્થાર્પણ માટે એક વાછરડાનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિત વિધિ કરવાથી તું એને પાપમુક્ત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરીને વેદીને પવિત્ર બનાવવી. 37 સાત દિવસ સુધી વેદીને શુદ્ધ અને પવિત્ર બનાવવી. ત્યાર બાદ વેદી સંપૂર્ણપણે અત્યંત પવિત્ર બનશે. પછી જો કોઈ તેના સંપર્કમાં આવશે તે પવિત્ર બની જશે. 38 તારે વેદી પર આટલા બલિ ચઢાવવા, કાયમને માટે પ્રતિદિન એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવા. 39 એક હલવાન તારે સવારમાં અને બીજું હલવાન તારે સાંજે ચઢાવવું. 40 પ્રથમ ઘેટાં સાથે તમારે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો મેંદાનો ઝીણો લોટ તેમ જ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવો. 41 સાંજે અર્પણ થતાં હલવાનની સાથે સવારની જેમ મેંદાના ઝીણા લોટનું અને દ્રાક્ષારસનું પેયાર્પણ કરજે. ઈશ્વરની સમક્ષ તે સુવાસિત અર્પણ અને અગ્નિમાં થયેલ અર્પણ ધ્યાનમાં લેવાશે. એ યજ્ઞની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું. 42 આ દહનીયાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારી નજર સમક્ષ નિયમિત પેઢી દર પેઢી કરવાના છે. 43 હું ત્યાં જ તમને મળીશ અને ઇઝરાયલીઓને પણ મળીશ. મારા મહિમાથી એ સ્થાન પવિત્ર થઈ જશે. 44 હા, હું મુલાકાતમંડપને, વેદીને અને યાજકો તરીકે મારા સેવકો હારુન તથા તેના પુત્રોને પવિત્ર કરીશ. 45 અને હું ઇઝરાયલના લોકો મધ્યે નિવાસ કરીશ અને તેઓનો ઈશ્વર થઈશ. 46 તેઓને ખાતરી થશે કે તેઓની વચ્ચે રહેવા માટે તેઓને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવાહ તેઓનો ઈશ્વર છું.