Ezekiel 23 (IRVG)
1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 2 હે મનુષ્યપુત્ર, બે સ્ત્રીઓ, એક જ માતાની દીકરીઓ હતી. 3 તેઓએ મિસરમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો. તેઓએ ત્યાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓના સ્તન દાબવામાં આવ્યા, અને ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીટડીઓ છોલાઈ. 4 તેઓમાંની મોટી બહેનનું નામ ઓહોલાહ હતું અને નાની બહેનનું નામ ઓહોલીબાહ હતું. તેઓ બન્ને મારી થઈ અને તેઓને દીકરાઓ તથા દીકરીઓ થયાં. તેઓનાં નામોના અર્થ આ છે: ઓહોલાહનો અર્થ સમરુન અને ઓહોલીબાહનો અર્થ યરુશાલેમ છે. 5 “ઓહોલાહ મારી હતી, છતાં તેણે ગણિકાવૃત્તિ ચાલુ રાખી. તે પોતાના પ્રેમીઓ, એટલે આશ્શૂરના યોદ્ધાઓ ઉપર મોહી પડી હતી. 6 તેઓ જાંબુડિયા રંગના વસ્ત્ર પહેરનારા રાજકર્તાઓ તથા અમલદારો હતા. જેઓ મજબૂત અને ખૂબસૂરત હતા, તેમાંના બધા ઘોડેસવારો હતા. 7 તેણે તેઓને એટલે આશ્શૂરના માણસોને પોતાની જાતને ગણિકા તરીકે સોંપી દીધી, જે સર્વ વડે તે વિલાસી થઈ હતી. તેઓ આશ્શૂરના સર્વોત્તમ દિલપસંદ પુરુષો હતા. તેણે તેઓની મૂર્તિઓ વડે પોતાને અશુદ્ધ કરી. 8 જ્યારે તે મિસરમાંથી નીકળી ત્યારે પણ તેણે પોતાની ગણિકાવૃતિ છોડી નહિ, જ્યારે તે નાની હતી ત્યારે માણસોએ તેની સાથે સૂઈને તેની કુંવારી અવસ્થાની ડીટડીઓ છોલી નાખી, તેઓએ તેની સાથે વ્યભિચાર કરવાનું ચાલુ રાખ્યું. 9 તેથી મેં તેને તેના પ્રેમીઓના હાથમાં, એટલે આશ્શૂરીઓના માણસો જેના માટે તે વિલાસી હતી, તેઓના હાથમાં સોંપી દીધી. 10 તેઓએ તેની નિર્વસ્ત્રતા ઉઘાડી કરી. તેઓએ તેના દીકરાઓ તથા દીકરીઓ લઈ લીધાં, તેઓએ તેને તલવારથી મારી નાખી, તે બીજી સ્ત્રીઓમાં શરમરૂપ થઈ ગઈ, કેમ કે તેઓએ તેનો ન્યાય કરીને તેને શિક્ષા કરી. 11 તેની બહેન ઓહોલીબાહએ આ બધું જોયું, તેમ છતાં તે પોતાના વ્યભિચારમાં વધુ ભ્રષ્ટ થઈ અને પોતાની બહેન કરતાં વધુ ગણિકાવૃત્તિ કરી. 12 તે આશ્શૂરીઓ કે જેઓ રાજકર્તાઓ તથા અમલદારો હતા, જેઓ ભભકાદાર પોશાક પહેરનારા તથા ઘોડેસવારો હતા. તેમાંના બધા ખૂબસૂરત તથા મજબૂત હતા તેમના પર મોહિત થઈ. 13 મેં જોયું કે તેણે પોતાની જાતને અશુદ્ધ કરી છે. તે બન્ને બહેનોનો એક જ માર્ગ હતો. 14 તેણે પોતાની વ્યભિચારનું કામ વધારી. તેણે દીવાલ પર કોતરેલા માણસો, એટલે લાલ રંગથી કોતરેલી ખાલદીઓની પ્રતિમા જોઈ, 15 તેઓએ કમરે કમરબંધ બાંધેલા હતા અને માથે સુંદર સાફા બાંધેલા હતા. તેઓમાંના બધા દેખાવમાં રાજ્યઅમલદારો જેવા લાગતા હતા. તેઓની જન્મભૂમિ ખાલદી દેશ છે, તે બાબિલના વતની જેવા લાગતા હતા. 16 તેણે જેમ તેઓને જોયા કે તરત જ તેઓની આશક થઈ, તેથી તેણે તેઓની પાસે ખાલદી દેશમાં સંદેશાવાહકો મોકલ્યા. 17 ત્યારે બાબિલવાસીઓ આવ્યા અને તે સ્ત્રીને લઈને પથારીમાં સૂઈ ગયા, તેઓએ તેની સાથે વ્યભિચાર કરીને તેને ભ્રષ્ટ કરી, પછી તેનું મન તેઓના પરથી ઊઠી ગયું. 18 તેણે ખુલ્લી રીતે વ્યભિચાર કર્યો અને પોતાને ઉઘાડી કરી,જેમ મારું મન તેની બહેન પરથી પણ ઊઠી ગયું હતું, તેમ મારું મન તેના પરથી ઊઠી ગયું. 19 પછી તેણે મિસર દેશમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો હતો,તે દિવસો યાદ કરીને તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો. 20 તે પોતાના પ્રેમીઓ માટે પ્રેમીકા હતી,જેઓની ઈંદ્રિયો ગધેડાની ઈંદ્રિયો જેવી હતી અને જેઓનું બીજ ઘોડાના બીજ જેવું હતું. 21 જ્યારે મિસરવાસીઓથી તેની ડીટડીઓ છોલાઈત્યારે તેણે પોતાની જુવાનીનાં લંપટતાના કાર્યો યાદ કરીને ફરીથી શરમજનક કાર્ય કર્યું. 22 માટે, ઓહોલીબાહ, પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘જો, હું તારા પ્રેમીઓને તારી વિરુદ્ધ કરીશ. જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે, તેઓને હું ચારેબાજુથી તારી વિરુદ્ધ લાવીશ. 23 એટલે હું બધા બાબિલવાસીઓને તથા બધા ખાલદીવાસીઓને પેકોદને, શોઆને તથા કોઆને તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા ખૂબસૂરત જુવાનોને, રાજકર્તાઓને તથા અધિકારીઓને, ઘોડેસવારોને તથા મંત્રીઓને ભેગા કરીશ. 24 તેઓ તારી વિરુદ્ધ હથિયારો, રથો તથા ગાડાઓ, અને લોકોનાં મોટાં ટોળાં સહિત આવશે. તેઓ મોટી ઢાલો, નાની ઢાલો તથા ટોપો પહેરીને તારી સામે આવીને તને ચારેબાજુથી ઘેરી લેશે. હું તેઓને તને શિક્ષા કરવાની તક આપીશ અને તેઓ પોતાનાં કાર્યોથી તને શિક્ષા કરશે. 25 કેમ કે હું તારા પર મારો કોપ રેડી દઈશ, તેઓ રોષથી તારી સાથે વર્તશે, તેઓ તારા નાક તથા કાન કાપી નાખશે, તારા બચેલા તલવારથી નાશ પામશે! તેઓ તારા દીકરા દીકરીઓને લઈ લેશે, જેથી તારા વંશજો અગ્નિથી ભસ્મ થઈ જશે. 26 તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે અને તારાં આભૂષણો તારી પાસેથી લઈ લેશે! 27 હું તારામાંથી તારા શરમજનક કાર્યોનો અને મિસર દેશમાં કરેલાં વ્યભિચારનો અંત લાવીશ. જેથી તું તારી નજર તેઓના તરફ ઉઠાવશે નહિ અને મિસરને સ્મરણમાં લાવશે નહિ.’” 28 કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: ‘જો, જે લોકોને તું ધિક્કારે છે અને જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે તેઓના હાથમાં હું તને સોંપી દઈશ. 29 તેઓ તને ધિક્કારશે; તેઓ તારી બધી સંપત્તિ લઈ લેશે અને તને ઉઘાડી કરી મૂકશે. તારા વ્યભિચારની ભ્રષ્ટતા એટલે તારાં શરમજનક કાર્યો તથા તારો વ્યભિચાર ઉઘાડાં થશે. 30 તેં ગણિકા જેવું કાર્ય કર્યું છે, પ્રજાઓની પાછળ જઈને તેમની પ્રેમીકા થઈ છે અને તેઓની મૂર્તિઓથી તેં પોતાને અપવિત્ર કરી છે, માટે આ સર્વ દુઃખો તારા પર લાવવામાં આવશે. 31 તું તારી બહેનને પગલે ચાલી છે, તેથી હું તેની શિક્ષાનો પ્યાલો તારા હાથમાં આપીશ.’ 32 પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘તું તારી બહેનનો પ્યાલો પીશે, તે ઊંડો અને મોટો છે;તું હાંસીપાત્ર થશે અને તું મજાકનો વિષય બનશે તે પ્યાલામાં ઘણું સમાય છે. 33 તું ભયાનક તથા વિનાશના પ્યાલાથી, એટલે નશાથી તથા ચિંતાથી ભરાઈ જશે.આ તારી બહેન સમરુનનો પ્યાલો છે! 34 તું પીશે અને તેને ખાલી કરી નાખશે; પછી તું તેને ભાંગી નાખશે અને તારાં સ્તનને કાપીને ટુકડા કરી નાખશે. 35 માટે, પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘કેમ કે તું મને ભૂલી ગઈ છે અને મને તારી પીઠ પાછળ ફેંકી દીધો છે, તેથી તું તારી લંપટતા અને વ્યભિચારની બોજ ઉઠાવશે.” 36 યહોવાહે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તું ઓહોલાહ અને ઓહોલીબાહનો ન્યાય કરશે? તો તેઓએ જે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે તે તેઓને જણાવ. 37 તેઓએ વ્યભિચાર કર્યો છે, તેઓના હાથમાં લોહી છે. તેઓએ મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેઓએ મારાથી તેઓને થયેલા દીકરાઓને અગ્નિમાં ભસ્મ થવા સારુ સોંપ્યા છે. 38 વળી તેઓએ સતત મારી સાથે આ કર્યું છે; તેઓએ મારા પવિત્રસ્થાનને અપવિત્ર કર્યું છે, તે જ દિવસે તેઓએ મારા વિશ્રામવારોને અશુદ્ધ કર્યા છે. 39 કેમ કે તેઓએ પોતાનાં બાળકો મૂર્તિઓને ચઢાવ્યાં પછી તે જ દિવસે તેઓ મારા સભાસ્થાનને અશુદ્ધ કરવા આવ્યા જુઓ, તેઓએ મારા સભાસ્થાનની વચ્ચે જે કર્યું છે તે આ છે. 40 વળી તમે સંદેશાવાહકો મોકલીને દૂર દૂરથી માણસોને બોલાવ્યા હવે જુઓ,! તેઓ આવ્યા, તેઓને માટે તેં સ્નાન કર્યું, આંખોમાં કાજળ લગાવ્યું અને ઘરેણાંથી પોતાને સુશોભિત કરી. 41 અને તું સુંદર ભભકાદાર પલંગ પર બેઠી અને તેની આગળ મેજ બિછાવી. પછી તેં તેના પર ધૂપ તથા મારુ તેલ મૂક્યું. 42 તમારા ઓરડામાંથી મોટી ઉજાણીના અવાજો સંભળાતા હતા. અને અરણ્યમાંથી નશાથી ચૂર લોકોને લાવવામાં આવ્યા હતા. તેઓએ તેમના બંનેના હાથોમાં બંગડીઓ પહેરાવી હતી અને તેઓના માથે સુંદર મુગટો પહેરાવ્યા હતા. 43 ત્યારે જે વ્યભિચાર કરીને વૃદ્ધ થઈ ગઈ હતી તેને વિષે મેં વિચાર કર્યો, ‘હવે તેઓ તેની સાથે વ્યભિચાર કરશે, હા તેઓ તેની સાથે વ્યભિચાર કરશે.’ 44 જેમ લોકો વેશ્યા પાસે જાય છે તેમ તેઓ તેની પાસે ગયા, આ રીતે તેઓએ તે ગણિકા સ્ત્રીઓ ઓહોલાહ તથા ઓહોલીબાહ પાસે જવાનું ચાલું રાખ્યું. 45 પણ ન્યાયી માણસો તો તેમને વ્યભિચારી તથા ખૂની સ્ત્રીઓની સજા કરશે, કેમ કે, તેઓએ વ્યભિચાર કર્યો છે અને તેમના હાથમાં લોહી છે.” 46 પ્રભુ યહોવાહ આમ કહે છે: “હું તેઓના ઉપર ચઢાઈ કરવા એક સૈન્ય મોકલીશ, તેઓને લૂંટવા તથા ત્રાસરૂપ થવા સોંપી દઈશ. 47 તે સૈન્ય તેઓને પથ્થરથી મારશે અને તલવારોથી તેમને કાપી નાખશે. તેઓ તેઓના દીકરા તથા દીકરીઓને મારી નાખશે અને તેઓના ઘરોને બાળી મૂકશે. 48 હું દેશમાંથી શરમજનક કાર્યોનો અંત લાવીશ. જેથી બધી સ્ત્રીઓ શિસ્તમાં રહે અને તેઓ ગણિકાનું કાર્ય કરે નહિ. 49 તેઓ તમારાં શરમજનક કાર્યોનો બદલો તમને આપશે. તમારે મૂર્તિપૂજાના પાપનાં ફળ ભોગવવા પડશે. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું.”