Joshua 24 (IRVG)
1 યહોશુઆએ ઇઝરાયલના સર્વ કુળોને શખેમમાં ભેગાં કર્યા. ઇઝરાયલના વડીલોને, તેઓના આગેવાનોને, વડાઓને, ન્યાયાધીશોને, તેઓના અધિકારીઓને બોલાવ્યા અને તેઓ યહોવાહની સમક્ષ ઉપસ્થિત થયા. 2 યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “ઇઝરાયલના યહોવાહ, કહે છે કે, ‘પૂર્વકાળે તમારા પૂર્વજ ઇબ્રાહિમના પિતા તથા નાહોરના પિતા તેરાહ ફ્રાત નદીને પેલે પાર વસેલા હતા. તેઓ અન્ય દેવોની પૂજાભક્તિ કરતા હતા. 3 પણ હું તમારા પિતા ઇબ્રાહિમને ફ્રાત નદીની પેલી પારથી કનાન દેશમાં દોરી લાવ્યો અને તેના દીકરા ઇસહાક દ્વારા મેં તેને ઘણાં સંતાનો આપ્યાં. 4 મેં ઇસહાકને બે દીકરા યાકૂબ તથા એસાવ આપ્યાં. મેં વતન તરીકે એસાવને સેઈર પર્વતનો પ્રદેશ આપ્યો, પણ યાકૂબ અને તેના દીકરાઓ મિસરમાં જઈને રહ્યા. 5 પછી મેં મૂસાને તથા હારુનને મોકલ્યા અને મરકીથી મિસરીઓને મેં પીડિત કર્યા. ત્યાર પછી હું તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યો. 6 હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો. ચાલતા ચાલતા તમે સમુદ્ર સુધી આવી પહોંચ્યા. ત્યારે મિસરીઓ રથો તથા ઘોડેસવારો સાથે લાલ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછળ ચડી આવ્યા. 7 ત્યારે તમારા પૂર્વજોએ યહોવાહને પોકાર કર્યો, એટલે યહોવાહે તમારી તથા મિસરીઓની વચ્ચે અંધારપટ કર્યો. યહોવાહે તેઓ પર સમુદ્રનાં પાણી લાવીને તેઓને ડુબાવી દીધા. મેં મિસરમાં જે કર્યું તે તમે તમારી સગી આંખોએ જોયું છે. પછી તમે ઘણાં દિવસો સુધી અરણ્યમાં રહ્યા. 8 જે અમોરીઓ યર્દનની પેલી બાજુ વસેલા હતા, તેઓના દેશમાં હું તમને લાવ્યો. તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું. અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા. તમે તેઓના દેશ કબજે કરી લીધો. અને મેં તમારી આગળ તેઓનો સંહાર કર્યો. 9 પછી મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે ઊઠીને ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. તેણે તમને શાપ દેવા સારુ બેઓરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો. 10 પણ મેં બલામનું સાંભળ્યું નહિ. તેથી તેણે તમને આશીર્વાદ આપ્યો હતો. આ રીતે મેં તમને તેના હાથમાંથી છોડાવ્યાં. 11 પછી તમે યર્દનથી પાર ઊતરીને યરીખો પાસે આવ્યા. ત્યારે યરીખોના આગેવાનો, અમોરી, પરિઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી લોકોએ તમારી સાથે યુદ્ધ કર્યું. મેં તમને તેઓના પર વિજય આપ્યો અને તેઓને તમારા નિયંત્રણમાં સોંપી દીધા. 12 વળી મેં તમારી આગળ ભમરીઓ મોકલી, તેઓએ અમોરીઓના બે રાજાઓને તમારી આગળથી નસાડી મૂક્યા. આ બધું કંઈ તમારી તલવારથી કે તમારા ધનુષ્યથી થયું નહોતું! 13 જે દેશ માટે તમે શ્રમ કર્યો નહોતો અને જે નગરો તમે બાંધ્યા નહોતાં તે મેં તમને આપ્યાં છે, હવે તમે તેમાં રહો છો. જે દ્રાક્ષવાડીઓ તથા જૈતૂનવાડીઓ તમે રોપી નહોતી તેઓનાં ફળ તમે ખાઓ છો.’” 14 તો હવે યહોવાહનું ભય રાખો અને સંપૂર્ણ પ્રામાણિકતાથી અને સત્યતાથી તેમની આરાધના કરો; ફ્રાત નદીની પેલી બાજુ અને મિસરમાં તમારા પૂર્વજો જે દેવોની પૂજાભક્તિ કરતા હતા તે દેવોથી છુટકારો મેળવીને, યહોવાહની આરાધના કરો. 15 જો તમારી દ્રષ્ટિમાં યહોવાહની આરાધના કરવી એ અયોગ્ય લાગતું હોય, તો આજે તમે પોતે નક્કી કરો કે તમે કોની સેવા કરશો? ફ્રાત નદીની પેલી પાર રહેતા તમારા પૂર્વજોના દેવોની અથવા જે અમોરીઓના દેશમાં તમે રહો છો તેઓના દેવોની તમે પૂજાભક્તિ કરશો? પણ હું અને મારું કુટુંબ તો યહોવાહની જ સેવા કરીશું. 16 લોકોએ જવાબ આપીને કહ્યું, “અન્ય દેવોની સેવાને માટે અમે યહોવાહને તજી દઈએ એવું પ્રભુ કદીય થવા ન દો. 17 કેમ કે જે પ્રભુ યહોવાહ અમને અને અમારા પૂર્વજોને મિસર દેશમાંથી, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા, જેમણે અમારા દેખતાં અદ્દભુત ચમત્કારો કર્યા, અમે જે રસ્તે ચાલ્યા તેમાં તથા જે સર્વ દેશોમાં થઈને અમે પસાર થયા ત્યાં અમારું રક્ષણ કર્યું તે જ યહોવાહ અમારા પ્રભુ છે. 18 યહોવાહે તે દેશમાં રહેનારા સર્વ અમોરી લોકોને અમારી આગળથી કાઢી મૂક્યા છે. તેથી અમે પણ યહોવાહની સેવા કરીશું, કેમ કે તે જ અમારા યહોવાહ છે.” 19 પણ યહોશુઆએ લોકોને કહ્યું, “તમે યહોવાહની સેવા કરી શકશો નહિ, કેમ કે તે પવિત્ર ઈશ્વર છે; તે આવેશી યહોવાહ છે; તે તમારાં ઉલ્લંઘનો અને તમારા પાપોની ક્ષમા કરશે નહિ. 20 જો તમે તમારા યહોવાહને ત્યજીને વિદેશીઓના દેવોની ઉપાસના કરશો, તો તેઓ તમારું સારું કર્યા પછી, તમારી વિરુદ્ધ થઈને તમારું અહિત કરશે. તમને નષ્ટ કરી નાખશે.” 21 પણ લોકોએ યહોશુઆને કહ્યું, “એવું નહિ બને. અમે તો યહોવાહની જ આરાધના કરીશું.” 22 પછી યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોત પોતાના માટે સાક્ષી છો કે તમે જાતે યહોવાહની આરાધના કરવાને સારુ તેમને પસંદ કર્યા છે.” તેઓએ કહ્યું, “અમે સાક્ષી છીએ.” 23 યહોશુઆએ કહ્યું, “તો હવે તમારી સાથે જે અન્ય દેવો છે તેને દૂર કરો, અને તમારું હૃદય ઇઝરાયલના પ્રભુ યહોવાહ તરફ વાળો.” 24 લોકોએ યહોશુઆને કહ્યું, “આપણા પ્રભુ યહોવાહની જ સેવા અમે કરીશું. તેમની જ વાણી અમે સાંભળીશું.” 25 તે દિવસે યહોશુઆએ લોકો સાથે કરાર કર્યો. તેણે શખેમમાં તેઓને માટે વિધિઓ અને નિયમો નિયત કર્યા. 26 પછી યહોશુઆએ આ વાતો યહોવાહનાં નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખી. તેણે મોટો પથ્થર લીધો અને યહોવાહનાં પવિત્રસ્થાનની બાજુમાં એલોન વૃક્ષની નીચે તેને સ્થાપિત કર્યો. 27 યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “જુઓ, આ પથ્થર આપણી મધ્યે સાક્ષી થશે. કેમ કે યહોવાહે જે વાતો આપણને કહી તે સર્વ તેણે સાંભળી છે. માટે તે તમારી વિરુદ્ધ સાક્ષી થશે, રખેને તમે તમારા યહોવાહનો ઇનકાર કરો. 28 પછી યહોશુઆએ પ્રત્યેક માણસને, તેઓના વારસાના વતનમાં મોકલી દીધા. 29 આ બિનાઓ બન્યા પછી, નૂનનો પુત્ર યહોશુઆ જે યહોવાહનો સેવક હતો તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો. 30 તેઓએ તેના વતનની હદમાં, ગાઆશ પર્વતની ઉત્તરે, એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં, જે તિમ્નાથ-સેરા છે, તેમાં તેને દફ્નાવ્યો. 31 તે સર્વ દિવસોમાં જે વડીલો યહોશુઆની આખી જિંદગી સુધી અને તેના પછી જીવતા રહ્યા હતા અને યહોવાહે ઇઝરાયલ માટે જે સર્વ કર્યું હતું તેનો અનુભવ કર્યો, તેઓના જીવન પર્યંત ઇઝરાયલે યહોવાહની સેવા કરી. 32 યૂસફના જે અસ્થિ ઇઝરાયલના લોકો મિસરમાંથી બહાર લાવ્યા હતા તેને તેઓએ શખેમમાં, જમીનનો જે ટુકડો યાકૂબે ચાંદીના સો સિક્કાની કિંમત આપીને શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી વેચાતો લીધો હતો તેમાં દફનાવ્યાં. અને તે યૂસફના વંશજોનું વતન થયું. 33 હારુનનો પુત્ર એલાઝાર પણ મરણ પામ્યો. તેઓએ તેના પુત્ર ફીનહાસને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં જે ગિબ્યા નગર અપાયેલું હતું તેમાં દફ્નાવ્યો.