Jeremiah 36 (IRVG)
1 વળી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાહનું વચન યર્મિયાની પાસે આવ્યું કે, 2 “જે દિવસથી મેં તારી સાથે વાત કરી એટલે કે યોશિયાના સમયથી તે આજ સુધી, ઇઝરાયલ અને યહૂદિયા તેમ જ બીજી પ્રજાઓ વિષે જે વચનો મેં તને કહ્યાં છે તે સર્વ એક ઓળિયું લઈને તેના પર લખ. 3 કદાચ હું યહૂદિયાના લોકો પર જે આફતો ઉતારવાનું વિચારું છું તે તેઓ સાંભળે અને તેથી તેઓ પોતાના દુષ્ટ માર્ગોથી ફરે અને હું તેઓના અપરાધો અને પાપ માફ કરું.” 4 તેથી યર્મિયાએ નેરિયાના દીકરા બારુખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારુખે યહોવાહના બધા ભવિષ્યવચનો ઓળિયામાં લખ્યાં. 5 ત્યારબાદ યર્મિયાએ બારુખને આજ્ઞા આપી અને કહ્યું કે, “હું કેદમાં છું અને મને યહોવાહના ઘરમાં જવાનો નિષેધ છે. 6 માટે તું જા અને જે ઓળિયામાં તેં મારા મુખના શબ્દો લખ્યા છે, તેમાંથી યહોવાહના વચનો યહોવાહનાં ઘરમાં ઉપવાસના દિવસે લોકોની આગળ અને પોતપોતાનાં નગરોમાંથી આવનાર યહૂદિયાની આગળ વાંચી સંભળાવ. 7 કદાચ તે લોકો યહોવાહને વિનંતી કરે અને ખોટે માગેર્થી પાછા વળે; કેમ કે, યહોવાહે એ લોકોને ભારે રોષ અને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.” 8 યર્મિયા પ્રબોધકે કહ્યું હતું તે મુજબ નેરિયાના દીકરા બારુખે કર્યું અને યહોવાહના ઘરમાં લોકોની આગળ સર્વ વચનો વાંચી સંભળાવ્યાં. 9 યોશિયાના દીકરા યહોયાકીમ રાજાના શાસનકાળ દરમિયાન પાંચમા વર્ષના નવમા મહિનામાં યરુશાલેમના બધા લોકોએ તેમ જ યહૂદિયાના નગરોમાંથી જેઓ આવ્યા હતા તેઓને યહોવાહ સમક્ષ ઉપવાસ કરવાનું ફરમાવ્યું. 10 ત્યારે બારુખે પુસ્તકમાંનાં યર્મિયાના વચનો યહોવાહના ઘરમાં વાંચી સંભળાવ્યાં. શાફાન લહિયાના દીકરા ગમાર્યાના ઉપરના આંગણામાંના ઓરડામાં અને યહોવાહના સભાસ્થાનના નવા દરવાજાના ઓટલા પાસે તેણે સર્વ લોકોની આગળ વાંચી સંભળાવ્યાં. 11 હવે શાફાનના દીકરા ગમાર્યાના દીકરા મીખાયાએ યહોવાહ તરફથી આવેલા આ સંદેશાઓ જે પત્રકમાં લખેલાં હતા તે સાંભળ્યા. 12 ત્યારે તે નીચે ઊતરીને રાજાના મહેલના વહીવટી સભાખંડમાં ગયો. ત્યારે સર્વ સરદારો એટલે લહિયા અલિશામા, શમાયાનો દીકરો દલાયા, આખ્બોરનો દીકરો એલ્નાથાન શાફાનનો દીકરો ગમાર્યા, હનાન્યાનો દીકરો સિદકિયા તથા બીજા બધા અમલદારો ત્યાં બેઠા હતાં. 13 ત્યાં બારુખે લોકોની સમક્ષ વાંચી સંભળાવેલા પુસ્તકના જે વચનો તેણે સાંભળ્યા હતાં તે સર્વ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યાં. 14 પછી સર્વ અધિકારીઓએ કૂશીના દીકરા શેલેમ્યાના દીકરા નથાન્યાના દીકરા યેહૂદીને બારુખ પાસે મોકલીને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું તારા હાથમાં લઈને અહીં આવ.” તેથી નેરિયાના દીકરા બારુખે ઓળિયું હાથમાં લઈને અમલદારો પાસે ગયો. 15 તેઓએ તેને કહ્યું કે, “તું બેસીને તે અમને વાંચી સંભળાવ.” આથી બારુખે તેઓને તે વાંચી સંભળાવ્યું. 16 બારુખે તેઓની સામે જે વાંચન કર્યુ, તે જેવું તેઓએ સાંભળ્યું કે, તેઓ એકબીજાની સામે ભયથી જોવા લાગ્યા અને બારુખને કહ્યું, “તેં જે બધું વાંચ્યું છે તેના વિષે આપણે જરૂર રાજાને જણાવવું જોઈએ.” 17 પછી તેઓએ બારુખને પૂછ્યું કે, અમને જણાવ કે, તે યર્મિયાના મુખમાંથી બોલેલા આ સર્વ વચન કેવી રીતે લખ્યા?” 18 તેથી બારુખે ખુલાસો કર્યો, યર્મિયાએ તેના મુખમાંથી આ સર્વ વચન ઉચ્ચાર્યાં અને મેં તે પત્રકમાં શાહીથી લખી લીધાં.” 19 પછી અધિકારીઓએ બારુખને કહ્યું, “તું અને યર્મિયા ક્યાંક છુપાઇ જાઓ. તમે ક્યાં છો તે વિષે કોઈને પણ જાણ કરશો નહિ.” 20 ત્યાર પછી લહિયો અલિશામાની ઓરડીમાં તે ઓળિયાને મૂકીને તેઓ ચોકમાં રાજાની પાસે ગયા. અને તે સર્વ વચન તેઓએ રાજાને કહી સંભળાવ્યાં. 21 ત્યારે રાજાએ યેહૂદીને ઓળિયું લઈ આવવા મોકલ્યો, યેહૂદી તે ઓળિયું લહિયા અલિશામાની ઓરડીમાંથી લાવ્યો અને રાજાના તથા રાજાની આસપાસ ઊભા રહેલા સર્વ સરદારોના સાંભળતાં યેહુદીએ તે વાંચી સંભળાવ્યું. 22 તે સમયે નવમા મહિનામાં રાજા તેના મહેલના હેમંતગૃહમાં બેઠો હતો. અને તેની આગળ સગડી બળતી હતી. 23 જયારે યેહૂદીએ ત્રણચાર પાનાં વાંચ્યાં એટલે રાજાએ છરીથી તેટલો ભાગ કાપી લઈ સગડીમાં નાખ્યો. અને એમ આખું ઓળિયું સગડીમાં નાશ થઈ ગયું. 24 આ બધું જ સાંભળ્યા પછી પણ રાજાએ કે તેના અમલદારોએ ન તો ગભરાટ વ્યકત કર્યો કે ન તો પોતાના વસ્ત્રો ફાડ્યાં. 25 જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને ઓળિયું ન બાળવા વિનંતી કરી, પણ તેણે તેના પર ધ્યાન આપ્યું નહિ. 26 પછી રાજાએ બારુખ લહિયાને તથા યર્મિયા પ્રબોધકને પકડવા માટે યરાહમએલને, આઝ્રીએલના દીકરા સરાયાને તથા આબ્દએલના દીકરા શેલેમ્યાને મોકલ્યા. પરંતુ યહોવાહે તેઓને સંતાડી રાખ્યા હતા. 27 બારુખે યર્મિયાના મુખના બોલેલા શબ્દો જે ઓળિયામાં લખ્યા હતા તે ઓળિયું રાજાએ બાળી નાખ્યું, પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું કે, 28 “પાછો જા, બીજું ઓળિયું લઈને તેના પર યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી મૂકેલા પહેલાનાં ઓળિયામાં જે લખ્યું હતું તે બધું તેમાં લખ. 29 પછી યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે; બાબિલનો રાજા નિશ્ચે આવીને દેશનો નાશ કરશે તથા તેમાંના માણસોનો અને પશુઓનો નાશ કરશે’ એવું યહોવાહ કહે છે, એવું તેં શા માટે આ ઓળિયામાં લખ્યું છે, એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે. 30 આથી યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે, તેનાં વંશમાંનો કોઈ દાઉદની ગાદીએ બેસશે નહિ. અને તેનો મૃતદેહ દિવસે તાપમાં અને રાત્રે હિમમાં બહાર પડી રહેશે. 31 હું તને, તારા વંશજોને તથા તારા અમલદારોને તેઓનાં દુષ્કૃત્યો માટે સજા કરીશ. અને તમારા પર, યરુશાલેમના રહેવાસીઓ પર અને યહૂદિયાના લોકો પર મેં જે વિપત્તિ લાવવા વિષે કહ્યું હતું તે તમારી પર લાવીશ. મેં તમને ચેતવ્યા, પણ તમે સાંભળ્યું નહિ.” 32 ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના દીકરા બારુખ લહિયાને લખવા આપ્યું. અને જે પુસ્તક યહૂદિયાના રાજા યહોયાકીમે અગ્નિમાં બાળી નાખ્યું હતું. તેમાંનાં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન બારુખે તેમાં લખ્યાં. અને તેઓના જેવાં બીજા ઘણાં વચનો પણ તેમાં ઉમેર્યાં.