Exodus 36 (IRVG)
1 બસાલેલ, આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના હૃદયમાં યહોવાહે પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ, અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાહે આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે.” 2 પછી મૂસાએ બસાલેલ, આહોલીઆબ તથા જે કારીગરોને યહોવાહે કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે સર્વને બોલાવ્યા અને કામ શરૂ કરવા જણાવ્યું. 3 જે બધું અર્પણ ઇઝરાયલી લોકો પવિત્રસ્થાનની સેવાના કામને માટે તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. હજી પણ લોકો દર સવારે રાજીખુશીથી ઐચ્છિકાર્પણ લાવતા હતા. 4 તેથી પવિત્રસ્થાનનું કામ કરનારા બધા જ કારીગરો પોતપોતાનું કામ છોડીને આવ્યા. 5 તેઓએ મૂસાને કહ્યું, “યહોવાહે જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરું કરવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણું વધારે લોકો લાવ્યા કરે છે.” 6 તેથી મૂસાએ આખી છાવણીમાં એવી સૂચનાઓ આપી કે પવિત્રસ્થાનના અર્પણને માટે કોઈએ હવે કંઈ કાર્ય ન કરવું. પછી લોકો ભેટો લાવતા અટક્યા. 7 અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરું કરવા માટે જોઈએ તેના કરતાં વધારે હતું. 8 તેઓમાંના પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે કરુબના આકૃતિ સાથે ભૂરા, જાંબુડા, કિરમજી રંગના, ઝીણા કાંતેલા શણના તથા લાલ ઊનના દશ પડદાઓનો મંડપ બનાવ્યો. આ કામ બસાલેલનું હતું, જે હોશિયાર કારીગર હતો. 9 પ્રત્યેક પડદાની લંબાઈ અઠ્ઠાવીસ હાથ તથા પ્રત્યેક પડદાની પહોળાઈ ચાર હાથ હતી. સર્વ પડદા એક જ માપના હતા. 10 બસાલેલે પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા અને બીજા પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા. 11 તેણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા વસ્ત્રની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના છેલ્લાં પડદાની કિનારે પણ તેણે એ જ પ્રમાણે કર્યું. 12 એક પડદામાં તેણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા પડદામાં કિનારે તેણે પચાસ નાકાં બનાવ્યાં. આમ નાકાં એકબીજાની સામસામે હતા. 13 આ નાકાંઓને જોડવા માટે તેણે પચાસ સોનાની કડીઓ બનાવી અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ મંડપ બન્યો. 14 એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માટે બસાલેલે બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદાઓ બનાવ્યાં. 15 પ્રત્યેક પડદાની લંબાઈ ત્રીસ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી. તે અગિયાર પડદા એક જ માપના હતા. 16 તેણે પાંચ પડદા એકબીજા સાથે જોડ્યા અને બીજા છ પડદાને એકબીજા સાથે જોડ્યા. 17 તેણે પહેલા મોટા પડદાના છેલ્લાં પડદાની કિનારે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં બનાવ્યાં. 18 તેમને જોડીને આખો તંબુ બનાવવા માટે બસાલેલે પિત્તળની પચાસ કડીઓ બનાવી. 19 તેણે તંબુને માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું આચ્છાદન બનાવ્યું અને તે પર ચામડાંનું આચ્છાદન બનાવ્યું. 20 બસાલેલે પવિત્રમંડપને માટે બાવળના લાકડાંનાં ઊભાં પાટિયાં બનાવ્યાં. 21 પ્રત્યેક પાટિયાની લંબાઈ દશ હાથ અને દરેક પાટિયાની પહોળાઈ દોઢ હાથ હતી. 22 પ્રત્યેક પાટિયાને એકબીજા સાથે જોડવા માટે દરેકને બે સાલ હતાં. મંડપના સર્વ પાટિયાને તેણે એ જ પ્રમાણે કર્યું. 23 તેણે મંડપને માટે પાટિયાં બનાવ્યાં. તેણે દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં. 24 બસાલેલે તે વીસ પાટિયાંની નીચે ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયાં નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ પણ બનાવી. 25 ઉત્તર તરફ મંડપની બીજી બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં. 26 અને તે વીસ પાટિયાંની ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટીયા નીચે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે બે કૂંભીઓ બનાવી. 27 મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછી તેને માટે તેણે છે પાટિયાં બનાવ્યાં હતાં. 28 તેની પછીના છેડાઓને માટે તેણે બે પાટિયાં બનાવ્યાં. 29 તેઓ નીચેથી જોડેલાં હતાં અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું. 30 આમ આઠ પાટિયાં હતાં, તેઓની ચાંદીની સોળ કૂંભીઓ હતી. એટલે દરેક પાટીયા નીચે બબ્બે કૂંભીઓ બનાવી. 31 તેણે બાવળના લાકડાની ભૂંગળો બનાવી. મંડપની એક બાજુનાં પાટિયાને સારુ પાંચ, 32 મંડપની બીજી બાજુનાં પાટિયાને સારુ પાંચ ભૂંગળો અને પશ્ચિમ તરફ મંડપની પછીના પાટિયાંને માટે પાંચ ભૂંગળો. 33 તેણે વચલી ભૂંગળને પાટિયાંને મધ્ય ભાગે એક છેડાથી તે બીજા છેડા સુધીની અડધી ઊંચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી ખોસી. 34 તેણે આ પાટિયાઓ સોનાથી મઢ્યાં. તેણે ભૂંગળોને રાખવાની જગ્યાને માટે સોનાનાં કડાં બનાવ્યાં અને ભૂંગળોને સોનાથી મઢી. 35 તેણે ભૂરા, જાંબુડા અને કિરમજી ઊનનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો. નિપુણ કારીગરે કરુબોવાળો તે બનાવ્યો. 36 તેણે તેને સારુ બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યાં અને તેઓને સોનાથી મઢ્યા. તેઓના આંકડા સોનાના હતા અને તેણે તેઓને સારુ ચાંદીની ચાર કૂંભીઓ બનાવી. 37 તેણે મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગનો ભરત ભરનારના હાથે બનેલા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો. 38 તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સુદ્ધાં અને તેણે તેઓના મથાળાં તથા ચીપો સોનાથી મઢ્યા અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી.