2 Chronicles 18 (IRVG)
1 યહોશાફાટ રાજાની પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ હતી અને તે ઘણો લોકપ્રિય હતો. તેણે પોતાના દીકરાનું લગ્ન આહાબની પુત્રી સાથે કરીને તેની સાથે આહાબની સાથે સગાઈના સંબંધ બાંધ્યો. 2 થોડાં વર્ષો પછી, તે આહાબને મળવા સમરુન ગયો. આહાબે તેની અને તેની સાથે જે માણસો હતા તેઓની મોટી સંખ્યામાં ઘેટાં અને બળદોની મિજબાની આપી. અને પોતાની સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરવા આહાબને સમજાવ્યો. તેથી રામોથ ગિલ્યાદ પરની ચઢાઈમાં આહાબે પણ યહોશાફાટને સાથ આપ્યો. 3 ઇઝરાયલના રાજા આહાબે યહૂદિયાના રાજા યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈમાં આવશો?” યહોશાફાટે ઉત્તર આપ્યો, “હું તારા જેવો છું અને મારા લોકો પણ તારા લોકો છે; અમે તારી સાથે યુદ્ધમાં રહીશું.” 4 યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “તમારા ઉત્તર માટે પ્રથમ તમે ઈશ્વરની ઇચ્છાને શોધો.” 5 પછી ઇઝરાયલના રાજાએ ચારસો પ્રબોધકોને ભેગા કર્યા અને તેઓને પૂછ્યું, “અમારે રામોથ ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવી કે નહિ?” તેઓએ કહ્યું, “હુમલો કરો, કેમ કે ઈશ્વર રાજાને વિજય આપશે.” 6 પણ યહોશાફાટે પૂછ્યું, “અહીં ઈશ્વરનો બીજો કોઈ પ્રબોધક નથી કે જેની આપણે સલાહ પૂછીએ?” 7 ઇઝરાયલનો રાજાએ તેને કહ્યું, “હજી એક માણસ છે જેની મારફતે આપણે ઈશ્વરની સલાહ પૂછી શકીએ, પણ હું તેનો તિરસ્કાર કરું છું, કારણ કે તેણે કદી મારા વિષે સારું ભવિષ્ય કહ્યું નથી, પણ ફક્ત માઠું જ કહ્યું છે, તે તો ઈમલાહનો પુત્ર મિખાયા છે.” પણ યહોશાફાટે કહ્યું, “રાજાએ એવું ન બોલવું જોઈએ, આપણે તેનું પણ સાંભળીએ.” 8 પછી ઇઝરાયલના રાજાએ એક અધિકારીને બોલાવીને કહ્યું, “ઈમલાહના દીકરા મિખાયાને જલ્દી બોલાવી લાવો.” 9 હવે, ઇઝરાયલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ રાજપોશાક પહેરીને સમરુનના દરવાજાની આગળ ખુલ્લી જગ્યામાં પોતપોતાનાં સિંહાસન પર બેઠા અને બધા પ્રબોધકો તેઓની આગળ પોતપોતાની પ્રબોધવાણીઓ સંભળાવતા હતા. 10 કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડનાં શિંગડાં બનાવડાવ્યા હતાં. તે બતાવીને બોલ્યો, “ઈશ્વર એવું કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી આવાં શિંગ વડે તમે તેમને હઠાવશો.’” 11 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો હતો, “રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીને વિજયી થાઓ; કારણ કે ઈશ્વરે તેને રાજાના હાથમાં આપી દીધું છે.” 12 જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, “હવે જો, બધા પ્રબોધકો એક સાથે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરી તારું કહેવું પણ તેમના જેવું જ હોય તો સારું.” 13 મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા ઈશ્વરના સમ કે, મારા પ્રભુ મને જે કહેશે તે જ હું બોલીશ.” 14 જયારે તે રાજા પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મિખાયા, અમે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “ચઢાઈ કરીને વિજય પામો! કેમ કે એ મોટો વિજય હશે.” 15 પછી રાજાએ તેને કહ્યું, “ઈશ્વરને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવા?” 16 તેથી મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને ઈશ્વરે કહ્યું, ‘એમનો કોઈ પાળક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિથી પાછા જાય.’” 17 તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહિ, પણ માઠું ભવિષ્ય ભાખશે?” 18 પછી મિખાયાએ કહ્યું, “તમે સર્વ ઈશ્વરનું વચન સાંભળો મેં ઈશ્વરને તેમના સિંહાસન પર બેઠેલા જોયા છે અને આકાશનું આખું સૈન્ય તેમને જમણે હાથે તથા ડાબે હાથે ઊભેલું હતું. 19 ઈશ્વરે કહ્યું, ‘કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું. 20 પછી એક આત્માએ આગળ આવીને ઈશ્વરની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ ઈશ્વરે તેને પૂછ્યું, ‘કેવી રીતે?’ 21 આત્માએ જવાબ આપ્યો, ‘ત્યાં જઈને હું તેના બધા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા થઈશ.’ ઈશ્વરે જવાબ આપ્યો, ‘તું તેને ફોસલાવશે અને તું સફળ પણ થશે. હવે જઈને એમ કર.’” 22 હવે જો, ઈશ્વરે આ તારા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને ઈશ્વર તારા સંબંધી અશુભ બોલ્યા છે.” 23 ત્યારે કેનાહના દીકરા સિદકિયાએ ઉપર આવીને મિખાયાને તેના ગાલ પર તમાચો મારીને કહ્યું, “ઈશ્વરનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી ક્યા માર્ગે થઈને ગયો?” 24 મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવાને અંદરના ઓરડામાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે.” 25 ઇઝરાયલના રાજાએ કેટલાક ચાકરોને કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના રાજ્યપાલ આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે પાછો લઈ જાઓ. 26 તમે તેમને કહેજો કે, ‘રાજા કહે છે, આને જેલમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી તેને થોડી જ રોટલી તથા થોડું જ પાણી આપજો.’” 27 પછી મિખાયાએ કહ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો ઈશ્વર મારા દ્વારા બોલ્યા નથી એમ સમજવું.” વળી તેણે કહ્યું, “હે સર્વ લોકો તમે આ સાંભળો.” 28 તેથી ઇઝરાયલના રાજા આહાબે તથા યહૂદિયાના યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી. 29 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો રાજપોષાક પહેરી રાખજો.” તેથી ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ યુદ્ધમાં ગયા. 30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, “તમારે ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈની પર હુમલો કરવો નહિ.” 31 અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું કે, “આ ઇઝરાયલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા, પણ યહોશાફાટે બૂમ પાડી અને ઈશ્વરે તેને મદદ કરી. ઈશ્વરે તેઓનાં મન ફેરવ્યાં. 32 અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પાછળ ન પડતાં પાછા ફર્યા. 33 પણ એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાં બાણ માર્યું. પછી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધમાંથી બહાર લઈ જા, કેમ કે હું બહુ ખરાબ રીતે ઘવાયો છું.” 34 તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું અને ઇઝરાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટ્ટાર બેસાડી રાખ્યો હતો. આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો.
In Other Versions
2 Chronicles 18 in the ANTPNG2D
2 Chronicles 18 in the BNTABOOT
2 Chronicles 18 in the BOATCB2
2 Chronicles 18 in the BOGWICC
2 Chronicles 18 in the BOHNTLTAL
2 Chronicles 18 in the BOILNTAP
2 Chronicles 18 in the BOKHWOG
2 Chronicles 18 in the KBT1ETNIK
2 Chronicles 18 in the TBIAOTANT