Exodus 22 (IRVG)
1 જો કોઈ માણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપવાં. 2 જો કોઈ ચોરી કરતાં પકડાયા અને તેની હત્યા થાય તો એ ખૂન ન ગણાય, પણ 3 જો તે સૂર્યોદય પછી ચોરી કરવાના ઇરાદાથી ઘરમાં ઘૂસે અને પકડાઈ જતાં તેને મારી નાખવામાં આવે તો એ ખૂન ગણાય.ચોરેલા માલની નુકસાની ચોરી કરનાર ભરી આપે; અને જો તે કંગાલ હોય તો તેની ચોરીનો દંડ ભરવા માટે તે પોતે વેચાઈ જાય. 4 પરંતુ જો ચોરેલું જાનવર તેની પાસે જીવતું મળી આવે, પછી તે બળદ હોય, ગધેડું હોય કે ઘેટું હોય; તો તે બમણું ભરપાઈ કરી આપે. 5 જો કોઈ માણસ પોતાનાં જાનવર ખેતરમાં કે દ્રાક્ષવાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાના ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી. 6 જો કોઈ માણસ પોતાના ખેતરમાં કાંટા-ઝાંખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેનો પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરેપૂરું નુકસાન ભરપાઈ કરી આપવું. 7 જો કોઈ માણસ પોતાના પડોશીને નાણાં કે મિલકત સાચવવા માટે સોંપે અને તે પેલા માણસના ઘરમાંથી ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તેણે બમણું ભરપાઈ કરી આપવું. 8 પરંતુ જો ચોર પકડાઈ ના જાય તો તે ઘરધણીએ પોતાને ન્યાયધીશો આગળ રજૂ કરવો અને ન્યાયધીશ તેની ચોરી સંબંધી યોગ્ય નિર્ણય કરશે. 9 જો કોઈ બે માણસો બળદ વિષે, ગધેડા વિષે, ઘેટાં વિષે, વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: ‘આ મારું છે.’ પણ બીજો કહે: ‘ના, આ મારું છે.’ તો બન્નેએ તકરાર માટે ન્યાયાધીશ પાસે જવું અને ન્યાયાધીશ સાચો ન્યાય આપશે. ન્યાયાધીશ જેને ગુનેગાર ગણાવે તેણે બીજા માણસને બમણું ભરપાઈ કરી આપવું. 10 જો કોઈ માણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ, 11 તો પછી તે માણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા પહોંચાડી નથી. તેણે યહોવાહના સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના માલિકે એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. 12 પરંતુ જો પડોશીએ તે પશુની ચોરી કરી હોય, તો તેણે માલિકને નુકસાન ભરપાઈ કરી આપવું. 13 જો કોઈ વનચર પશુએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલા પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. 14 અને જો કોઈ માણસ પોતાના પડોશી પાસેથી કોઈ પશુ ઉછીનું માગી લે અને તેનો માલિક તેની સાથે ના હોય એવા સંજોગોમાં તેને કશી ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પૂરેપૂરો બદલો ભરપાઈ કરી આપવો. 15 માલિક તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફક્ત ભાડું ચૂકવવાનું રહે. 16 જો કોઈ માણસ અપરિણીત કુમારિકાને લલચાવીને તેની સાથે સંબંધ બાંધે, તો તેનું પારંપારિક મૂલ્ય ચૂકવીને તે તેની સાથે લગ્ન કરે. 17 જો તેનો બાપ તેની સાથે લગ્ન કરાવવાની ના પાડે, તો કુમારિકાના પારંપારિક મૂલ્ય જેટલું નાણું આપવાનું રહે. 18 મંત્રતંત્રનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા દેવી નહિ. 19 જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી. 20 મારા સિવાય એટલે કે યહોવાહ સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરનાર અને આહુતિ આપનાર માણસનું નામનિશાન રહેવા દેવું નહિ. 21 તમારે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેઓના પર ત્રાસ ગુજારવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા. 22 કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ. 23 જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ. 24 પછી મારો કોપ ભભૂકી ઊઠશે. અને હું તમને તલવારથી મારી નાખીશ; તો તમારી પત્ની વિધવા થશે અને તમારાં પોતાનાં બાળકો અનાથ થશે. 25 તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ. 26 જો તમે તમારા પડોશીનું વસ્ત્ર ગીરે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમારે તે તેને પાછું આપવું. 27 કારણ કે એ એનું એકમાત્ર ઓઢવા-પાથરવાનું છે. તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું. 28 તમારા ઈશ્વરની નિંદા ન કરો તથા તમારા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ. 29 તમારે તમારા ખેતરની ઊપજ તથા તમારા દ્રાક્ષારસના ભરપૂરીપણામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમારો જયેષ્ઠ પુત્ર મને અર્પિત કરવો. 30 તમારાં બળદો અને ઘેટાંના પ્રથમજનિત મને આપવાં. સાત દિવસ સુધી તે ભલે પોતાની માતાની સાથે રહે. આઠમે દિવસે તમારે તે મને આપી દેવાં. 31 અને તમે લોકો મારા પવિત્ર લોક થાઓ; તમારે જંગલી પશુએ મારેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને સારુ નાખી દેવું.