Jeremiah 44 (IRVG)
1 જે સર્વ યહૂદીઓ મિસર દેશમાં, મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથ્રોસ પ્રદેશમાં રહેતા હતા, તેઓ વિષે જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ છે. 2 “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જે સર્વ વિપત્તિ હું યરુશાલેમ અને યહૂદિયાના સર્વ નગરો પર લાવ્યો છું તે તમે જોઈ છે. જુઓ, હમણાં તેઓ ખંડેર હાલતમાં છે; તેઓમાં કોઈ માણસ રહેતું નથી. 3 તેઓએ પાપ કરીને મને રોષ ચડાવ્યો છે એટલે તેઓ, તમે કે તમારા પિતૃઓ જે અન્ય દેવોને જાણતા નહોતા, તે દેવોની આગળ ઘૂપ બાળવા અને તેઓની પૂજા કરવા ગયા. 4 તેમ છતાં જે ધિક્કારપાત્ર કૃત્યોનો હું તિરસ્કાર કરું છું તે કરશો નહિ. એવું મેં વારંવાર મારા સેવકો, પ્રબોધકો, મોકલીને કહાવ્યું. 5 પરંતુ તેઓએ સાંભળ્યું નહિ. અને પોતાના દુષ્ટ માર્ગોથી ફરીને અન્ય દેવોની આગળ ધૂપ નહિ બાળવાની મારી આજ્ઞા તરફ તેઓએ કાન ધર્યો નહિ. 6 આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો. અને જેમ આજ છે તેમ તેઓ પાયમાલ થઈને ઉજ્જડ થઈ ગયા છે. 7 તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે શા માટે પોતાના જીવની વિરુદ્ધ અતિ દુષ્ટ કામ કરીને સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને દૂધ પીતાં નાનાં બાળકોનો નાશ યહૂદિયામાંથી કરો છો અને તમે શા માટે તમારી પાછળ કોઈને બાકી રહેવા દેતા નથી? 8 જ્યાં તમે રહેવા ગયા છો તે મિસરમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને કોપાયમાન કર્યો છે એથી તમારો નાશ કરવામાં આવશે. અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો. 9 તમારા પિતૃઓનાં પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરુશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલાં પાપ શું તમે ભૂલી ગયા? 10 આજ પર્યંત તેઓ દીન થયા નથી, કે બીધા પણ નથી. મેં તમારી અને તમારા પિતૃઓની આગળ મારું નિયમશાસ્ત્ર અને વિધિઓ મૂક્યા છે. તે પ્રમાણે ચાલ્યા નથી. 11 તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “જુઓ, હું તમારી વિરુદ્ધ મારું મુખ ફેરવીશ. અને વિપત્તિ લાવીને આખા યહૂદિયાના લોકોનો નાશ કરીશ. 12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેઓએ મિસર જઈને વસવાનો નિર્ધાર કર્યો છે, તેઓને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; તેઓ તલવારથી તથા દુકાળથી મરશે. નાનામોટા સર્વ તલવારથી કે દુકાળથી માર્યા જશે અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ, નિંદારૂપ થઈ પડશે. 13 જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી તેમ જેઓ મિસરમાં છે તેઓને પણ હું તલવાર, દુકાળ અને મરકીથી સજા કરીશ. 14 તેથી યહૂદિયાના બાકી રહેલા જે ફરી યહૂદિયા જઈને વસવાની આશાએ મિસરમાં જઈને વસ્યા છે તેમાંથી કોઈ પણ જીવતો રહેવાનો નથી કે પાછો યહૂદિયા જવા પામવાનો નથી. કેમ કે થોડા ભાગી છૂટેલા સિવાય કોઈ મારા કોપમાંથી બચી શકવાના નથી.” 15 આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલિ ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેઓ તેમ જ મિસર દેશના પાથ્રોસમાં વસતા બધા માણસોએ યર્મિયાને ઉત્તર આપ્યો, 16 તેઓએ કહ્યું, “જે વચન તેં યહોવાહને નામે અમને કહ્યું છે. તે વિષે અમે તારું સાંભળવાના નથી. 17 અમે અમારા પૂર્વજો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે તે પ્રમાણે અમે અવશ્ય કરીશું. કેમ કે તે વખતે અમારી પાસે પુષ્કળ રોટલી હતી. અમે સુખી અને સમૃદ્ધ હતા. અને અમે વિપત્તિ જોઈ ન હતી. 18 પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને આહુતિ આપવાનું અને પેયાર્પણો ચઢાવવાનું બંધ કર્યું, ત્યારથી અમે ભારે મુશ્કેલીઓ ભોગવીએ છીએ, તલવારથી અને દુકાળથી અમે નાશ પામીએ છીએ.” 19 સ્ત્રીઓ બોલી, જ્યારે અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળતાં હતાં તથા પેયાર્પણ રેડતી હતી, ત્યારે શું અમે અમારા પતિઓની સમંતિ વગર તેને નૈવેદ ધરાવવાને રોટલીઓ તૈયાર કરતી હતી તથા તેને પેયાર્પણ રેડતાં હતાં?” 20 પછી સ્ત્રીઓએ અને પુરુષોએ એટલે સર્વ લોકે તેને આવો ઉત્તર આપ્યો ત્યારે સર્વ લોકને યર્મિયાએ કહ્યું કે, 21 “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમ જ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતા, તે શું યહોવાહના સ્મરણમાં નહોતું? શું તેને લક્ષમાં લેવામાં આવ્યું નહોતું? 22 તમારાં દુષ્ટકર્મોને તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને યહોવાહ સહન કરી શક્યા નહિ; તેથી જેમ આજે છે તેમ તમારો દેશ તેમણે ઉજ્જડ, વિસ્મયરૂપ, શાપરૂપ અને નિર્જન કરી નાખ્યો. 23 તમે ધૂપ બાળ્યો તથા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું અને યહોવાહનું વચન માન્યું નહિ. અને તેમના નિયમો, કાયદાઓ અને સાક્ષ્યોઓનું પાલન પણ ન કર્યું, તેથી જેમ આજ છે, તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે.” 24 પછી યર્મિયાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, યહૂદાના સર્વ લોકો, જેઓ મિસર દેશમાં છે તમે યહોવાહનું વચન સાંભળો. 25 સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘આકાશની રાણી આગળ ધૂપ બાળવાની અને પેયાર્પણો રેડીને લીધેલી પ્રતિજ્ઞાઓ અમે ચોક્કસ પાળીશું’ એવું તમે અને તમારી સ્ત્રીઓ બન્ને તમારા મુખેથી બોલ્યા છો. તથા તમારા બોલવા પ્રમાણે તમારા હાથોએ કર્યું છે; તો હવે તમારી પ્રતિજ્ઞાઓ પ્રમાણે તમે ભલે વર્તો. 26 સર્વ યહૂદાના લોકો, જેઓ મિસરમાં રહો છે, તમે મારાં વચન ધ્યાનથી સાંભળો; જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે, “પ્રભુ યહોવાહના જીવના સમ’ એમ કહીને હવે કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ તેમના હોઠ પર લઈ શકશે નહિ. 27 જુઓ, હું હિત કરવા નહિ, પણ વિપત્તિ લાવવા સારુ તમારા પર મારી નજર રાખું છું. અને યહૂદા દેશના સર્વ લોકો જેઓ મિસર દેશમાં રહે છે, તેઓ સમાપ્ત થઈ જશે ત્યાં સુધી તેઓ તલવારથી તથા દુકાળથી નાશ પામતા જશે. 28 વળી તલવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા પાછા આવશે. અને જે બાકી રહેલા યહૂદિઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું કાયમ રહે છે. 29 હું તને આ ચિહ્ન આપીશ એમ યહોવાહ કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો નિશ્ચે કાયમ રહેશે. એ તમે જાણો માટે હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ. 30 યહોવાહ કહે છે; ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના શત્રુના હાથમાં તથા તેનો જીવ શોધનારાઓના હાથમાં સોંપીશ.’”