Isaiah 44 (IRVG)
1 પણ હવે, હે મારા સેવક યાકૂબ અને હે મારા પસંદ કરેલા ઇઝરાયલ, મને સાંભળ: 2 તારો કર્તા, ગર્ભસ્થાનમાં તને રચનારઅને તને સહાય કરનાર યહોવાહ એવું કહે છે: “હે મારા સેવક યાકૂબ, મારા પસંદ કરેલા યશુરૂન, તું બીશ નહિ. 3 કેમ કે હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર ધારાઓ વહાવીશ;હું તારાં સંતાન ઉપર મારો આત્મા તથા તારા વંશજો પર મારો આશીર્વાદ રેડીશ. 4 તેઓ પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ તથા નાળાં પાસે ઊગી નીકળતા વેલાની જેમ ઊગી નીકળશે. 5 એક કહેશે, ‘હું યહોવાહનો છું’ અને બીજો યાકૂબનું નામ ધારણ કરશે;તથા ત્રીજો પોતાના હાથ પર ‘યહોવાહને અર્થે’ એવું લખાવશે અને ‘ઇઝરાયલના નામથી’ બોલાવાશે.” 6 ઇઝરાયલના રાજા, તેના ઉદ્ધારક, સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે:“હું આદિ છું અને હું જ અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી. 7 મેં પુરાતન કાળના લોકોને સ્થાપન કર્યા, ત્યારથી મારા જેવો સંદેશો પ્રગટ કરનાર કોણ છે?જો કોઈ હોય તો તે આગળ આવે, પ્રગટ કરે અને તેની ઘોષણા કરે! વળી જે થવાનું તથા વીતવાનું છે, તે તેઓ જાહેર કરે! 8 ગભરાશો નહિ કે બીશો નહિ. શું મેં પ્રાચીનકાળથી સંભળાવીને તેને જાહેર કર્યું નથી?તમે મારા સાક્ષી છો: શું મારા વિના અન્ય કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નથી.” 9 કોરેલી મૂર્તિના બનાવનાર સર્વ શૂન્યવત છે; તેઓના પ્રિય પદાર્થો કશા કામના નથી;તેઓના સાક્ષીઓ પોતે જોતા નથી કે જાણતા નથી અને તેઓ લજ્જિત થાય છે. 10 કોણે દેવને બનાવ્યો કે નકામી મૂર્તિને કોણે ઢાળી? 11 જુઓ એના સર્વ સહકર્મીઓ લજ્જિત થશે; કારીગરો પોતે માણસો જ છે.તેઓ સર્વ ભેગા થાય તેઓ ભેગા રહે; તેઓ બી જશે અને લજ્જિત થશે. 12 લુહાર ઓજાર તૈયાર કરે છે, તે અંગારામાં કામ કરે છે,તે હથોડાથી તેને બનાવે છે અને પોતાના બળવાન હાથથી તેને ઘડે છે.વળી તેને ભૂખ લાગે છે ત્યારે તેનામાં કઈ બળ રહેતું નથી. તે પાણી પીતો નથી અને નિર્બળ થાય છે. 13 સુથાર રંગેલી દોરીથી તેને માપે છે અને ચોકથી રેખા દોરે છે.તે તેના પર રંધો મારે છે અને વર્તુળથી તેની રેખા દોરે છે.મંદિરમાં મૂકવા માટે પુરુષના આકાર પ્રમાણે, માણસના સૌંદર્ય પ્રમાણે તે તેને બનાવે છે. 14 તે પોતાને માટે એરેજવૃક્ષ, દેવદાર અને એલોન વૃક્ષ કાપી નાખે છે.વનનાં વૃક્ષોમાંનું એક મજબૂત વૃક્ષ પોતાને માટે પસંદ કરે છે; તે દેવદાર રોપે છે અને વરસાદ તેને મોટું કરે છે. 15 તે માણસને બળતણ તરીકે કામ લાગે છે અને તેમાંથી તાપે છે. હા, તેને સળગાવીને તેના પર રોટલી શેકે છે.વળી તેમાંથી તે દેવ બનાવીને તેને પ્રણામ કરે છે; તેની કોરેલી મૂર્તિ કરીને તે એને પગે લાગે છે. 16 તેનો અર્ધો ભાગ તે અગ્નિમાં બાળી નાખે છે, તેના ઉપર તે માંસ પકવે છે. તે ખાય છે અને તૃપ્ત થાય છે.વળી તે તાપે છે અને કહે છે, ‘વાહ! મને હુંફ મળી છે, મેં આગ જોઈ છે.” 17 પછી જે ભાગ બાકી રહે છે તેનો તે દેવ બનાવે છે, તેની મૂર્તિ બનાવે છે, તે તેને પગે લાગે છે અને આદર આપે છે.અને તેની પ્રાર્થના કરીને કહે છે, “મને બચાવ, કેમ કે તું મારો દેવ છે.” 18 તેઓ જાણતા નથી કે સમજતા પણ નથી, તેઓની આંખો અંધ છે, જે કંઈ જોઈ શકતી નથી તથા તેઓનાં હૃદય કંઈ જાણી શકતાં નથી. 19 કોઈ ધ્યાનમાં લેતો નથી અને કહેતો નથી,આ લાકડાનો અર્ધો ભાગ મેં અગ્નિમાં બાંધ્યો; વળી તેના અંગારા પર રોટલી શેકી; મેં તેના ઉપર માંસ શેક્યું અને ખાધું.તો હવે, આ શેષ રહેલા લાકડામાંથી કોઈ અમંગળ વસ્તુ બનાવીને તેની પૂજા કેમ કરું? શું હું લાકડાના ટુકડાની આગળ નમુ?” 20 તે જેમ રાખ ખાય છે, તેના મૂર્ખ હૃદયે તેને ભુલાવ્યો છે.તે પોતાનો જીવ બચાવી શકતો નથી, તે એવું કહી શકતો નથી કે, “મારા જમણા હાથમાં જૂઠો દેવ છે.” 21 હે યાકૂબ તથા હે ઇઝરાયલ, એ વાતો વિષે વિચાર કર, કેમ કે તું મારો સેવક છે;મેં તને બનાવ્યો છે; તું મારો સેવક છે: હે ઇઝરાયલ, હું તને ભૂલી જનાર નથી. 22 મેં તારા અપરાધો મેઘની જેમ તથા તારાં પાપો વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે;મારી તરફ પાછો ફર, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. 23 હે આકાશો, તમે હર્ષનાદ કરો, કેમ કે યહોવાહે તે કર્યું છે; હે પૃથ્વીના ઊંડાણો, તમે જયઘોષ કરો;હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ વૃક્ષો તમે ગાયન કરવા માંડો,કેમ કે યહોવાહે યાકૂબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે. 24 તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ગર્ભસ્થાનથી તારો બનાવનાર એમ કહે છે:“હું યહોવાહ સર્વનો કર્તા છું;જે એકલા જ આકાશોને વિસ્તારે છે, પોતાની જાતે પૃથ્વીને વિસ્તારે છે. 25 હું દંભીઓનાં ચિહ્નોને ખોટા ઠરાવું છું અને શકુન જોનારાઓને બેવકૂફ બનાવું છું;હું જ્ઞાનીઓના વચનને ઊંધું કરી નાખું છું અને તેઓની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું. 26 હું, યહોવાહ! પોતાના સેવકની વાતને સ્થિર કરનાર અને મારા સંદેશાવાહકોના સંદેશાને સત્ય ઠરાવનાર છું,જે યરુશાલેમ વિષે કહે છે, ‘તેમાં વસ્તી થશે;’ અને યહૂદિયાનાં નગરો વિષે કહે છે, “તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ. 27 તે સમુદ્રને કહે છે કે, ‘તુ સુકાઈ જા, હું તારી નદીઓને સૂકવી નાખીશ.’ 28 તે કોરેશ વિષે કહે છે, ‘તે મારો ઘેટાંપાળક છે, તે મારા બધા મનોરથો પૂરા કરશે’ વળી તે યરુશાલેમ વિષે કહે છે,‘તું ફરી બંધાઈશ’ અને સભાસ્થાન વિષે કહે છે, ‘તારો પાયો નાખવામાં આવશે.’”