Luke 6 (IRVG)
1 “એક વિશ્રામવારે ઈસુ ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યો ઘઉંના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતા. 2 આથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘વિશ્રામવારે જે કરવું ઉચિત નથી, તે તમે કેમ કરો છો?’” 3 ઈસુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેઓએ જે કર્યુ, તે શું તમે વાંચ્યું નથી કે 4 તેણે ઈશ્વરના ઘરમાં જઈને જે અર્પેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત ન હતી તે તેણે લઈને ખાધી, અને પોતાના સાથીઓને પણ આપી?’” 5 તેમણે તેઓને કહ્યું કે, ‘માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.’” 6 બીજા એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. 7 વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે. 8 પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, ‘ઊઠીને વચમાં ઊભો રહે.’ તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો. 9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો, એ બન્નેમાંથી કયું ઉચિત છે?’” 10 ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’ તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો. 11 પણ તેઓ ક્રોધે ભરાયા; અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘ઈસુ વિષે આપણે શું કરીએ?’” 12 તે દિવસોમાં એમ થયું કે ઈસુ ઘરમાંથી નીકળીને પ્રાર્થના કરવા સારુ પહાડ પર ગયા; ત્યાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત વિતાવી. 13 સવાર થતાં ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંના બારને પસંદ કર્યા, જેઓને તેમણે પસંદ કર્યા તેઓને ‘પ્રેરિતો’ એવું નામ આપ્યું. 14 સિમોન જેનું નામ ઈસુએ પિતર રાખ્યું હતું તેને તથા તેના ભાઈ આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ અને બર્થોલ્મીને, 15 માથ્થી, થોમા, અલ્ફીના દીકરા યાકૂબ અને સિમોન, જે ઝનૂની હતો તેને, 16 યાકૂબના દીકરા યહૂદાને, અને યહૂદા ઇશ્કારિયોત જે વિશ્વાસઘાતી હતો તેને. 17 પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા; 18 જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજાં કરવામાં આવ્યા. 19 સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું. 20 ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, ‘ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે. 21 અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે હસશો. 22 જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 23 તે દિવસે તમે આનંદ કરો અને ખુશીથી કૂદો કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું. 24 પણ ઓ ધનવાનો તમને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો! 25 ઓ અત્યારે ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હાલનાં હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો અને રડશો. 26 જયારે સઘળા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના પૂર્વજો જૂઠાં પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા હતા. 27 પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો, 28 જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો. 29 જે કોઈ તારા એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો ગાલ પણ ધર; કોઈ તારા વસ્ત્રો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખીશ નહિ. 30 જો કોઈ તારી પાસે માગે તેને આપ; કોઈ તારું કશું પણ લઈ જાય તેની પાસેથી તું પાછું માગીશ નહિ. 31 લોકો જેમ તમારી સાથે જે રીતે વર્તે તેમ જ તમે પણ તેઓની સાથે વર્તન કરો. 32 તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓ પર જ તમે પ્રેમ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ પોતાની ઉપર પ્રેમ રાખનારાઓ પર જ પ્રેમ રાખે છે. 33 જે તમારું સારું કરે છે માત્ર તેઓનું જ સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. 34 જેની પાસેથી તમે પાછું મેળવાની અપેક્ષા રાખો છો, તેઓને જ તમે ઉછીનું આપો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. 35 પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરા થશો; કેમ કે અનુપકારીઓ તથા પાપીઓ પર તેઓ માયાળુ છે. 36 માટે જેમ તમારા ઈશ્વરપિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ. 37 કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. માફ કરો અને તમને પણ માફ કરાશે. 38 આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે. 39 ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, ‘શું દ્રષ્ટિહીન વ્યક્તિ અન્ય દ્રષ્ટિહીનને દોરી શકે? શું બન્ને ખાડામાં પડશે નહિ? 40 શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક શિષ્ય સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી પોતાના ગુરુ જેવો થશે. 41 તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી? 42 તારી પોતાની આંખમાંનો ભારોટીયો ન જોતો હોય તો પછી તું તારા ભાઈને કઈ રીતે કહી શકે કે, ભાઈ, તારી આંખમાંથી મને તણખલું ફોતરું દે? ઓ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટીયો કાઢ, અને ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે. 43 કોઈ સારા વૃક્ષને ખરાબ ફળ આવતું નથી; વળી કોઈ ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી. 44 દરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમ કે કાંટાનાં ઝાડ પરથી લોકો અંજીર વીણતા નથી, અને ઝાંખરાં પરથી દ્રાક્ષ વીણતા નથી. 45 સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે. 46 તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને જે હું કહું છું તે કરતા નથી? 47 જે કોઈ મારી પાસે આવે છે, અને મારાં વચન સાંભળે છે તથા પાળે છે, તે કોનાં જેવા છે, એ હું તમને કહીશ. 48 તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો; અને જયારે પૂર આવ્યું, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમ કે તે મજબૂત બાંધેલું હતું. 49 પણ જે મારાં વચનને સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે આ માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધ્યું; અને તે નદીમાં પૂર આવ્યું અને તે ઘર તરત પડી ગયું; અને તે ઘરનો સંપૂર્ણ નાશ થયો.’”