Matthew 10 (IRVG)
1 પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો. 2 તે બાર પ્રેરિતોનાં નામ આ છે. પહેલો સિમોન જે પિતર કહેવાય છે, અને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન; 3 ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી; 4 સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો. 5 ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો. 6 પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ. 7 તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’” 8 માંદાઓને સાજાં કરો, મૂએલાંઓને સજીવન કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, અને દુષ્ટાત્માઓને કાઢો. તમે મફત પામ્યા છો, મફત આપો. 9 સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો; 10 મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે. 11 જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો. 12 ઘરમાં જઈને તેઓને સલામ કહો. 13 જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો તે ઘર યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી રહેશે. 14 જો કોઈ તમારો આવકાર નહિ કરે તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો. 15 હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે. 16 જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ. 17 તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે. 18 તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે. 19 પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ; કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે. 20 કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે. 21 ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે. 22 મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે. 23 જયારે તેઓ તમને એક નગરમાં સતાવણી કરે ત્યારે તમે બીજામાં ભાગી જાઓ, કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો. 24 શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી. 25 શિષ્ય પોતાના ગુરુ જેવો અને નોકર પોતાના શેઠ જેવો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે! 26 તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી. 27 હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો. 28 શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ. 29 શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી. 30 તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. 31 તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો. 32 માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ કબૂલ કરીશ; 33 પણ માણસોની આગળ જે કોઈ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ ઇનકાર કરીશ. 34 એમ ન ધારો કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; શાંતિ તો નહિ, પણ તલવાર લઈને આવ્યો છું. 35 કેમ કે પુત્રને તેના પિતાની વિરુદ્ધ, દીકરીને તેની માની વિરુદ્ધ તથા પુત્રવધૂને તેની સાસુની વિરુદ્ધ કરવાને હું આવ્યો છું. 36 માણસના દુશ્મન તેના ઘરનાં થશે. 37 મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી. 38 જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી. 39 જે પોતાનું જીવન બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે. 40 જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે. 41 જે કોઈ વ્યક્તિ પ્રબોધકનો આવકાર કરે છે, કેમ કે તે પ્રબોધક છે, તે પ્રબોધકનો બદલો પામશે; અને જે કોઈ વ્યક્તિ ન્યાયીનો આવકાર કરે છે, કેમ કે તે ન્યાયી છે, તે ન્યાયીનો બદલો પામશે. 42 હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનો બદલો પામ્યા વિના રહેશે જ નહિ.”