Matthew 26 (IRVG)
1 ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 2 “તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.” 3 પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા. 4 ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો. 5 પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.” 6 ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા, 7 તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું. 8 જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, “એ બગાડ શા માટે કર્યો? 9 કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.” 10 ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે. 11 કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી. 12 તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે. 13 હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.” 14 ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે, 15 “તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા. 16 ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો. 17 બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” 18 ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘેર પાસ્ખા પાળીશ.’” 19 ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું. 20 સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા. 21 તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.” 22 ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?” 23 ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે. 24 માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.” 25 ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.” 26 તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, “લો, ખાઓ, આ મારું શરીર છે.” 27 પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, “તમે બધા એમાંથી પીઓ,” 28 કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે. 29 હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.” 30 તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા. 31 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમે બધા આજ રાત્રે મારાથી દૂર થઈ જશો, કેમ કે એમ લખેલું છે કે ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’ 32 પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.” 33 ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, “જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.” 34 ઈસુએ તેને કહ્યું, “હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.” 35 પિતરે તેને કહ્યું કે, “જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું. 36 ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યા અને શિષ્યોને કહ્યું કે, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.” 37 પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.” 39 પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 40 પછી ઈસુ શિષ્યોની પાસે આવ્યા અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? 41 તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.” 42 બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 43 ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી. 44 ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી. 45 ત્યારે તેમણે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે. 46 ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.” 47 તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા. 48 હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.” 49 તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો. 50 ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી. 51 પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢી અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો. 52 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે. 53 શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યના બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે? 54 તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?” 55 તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડો તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો. 56 પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા. 57 પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા. 58 પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણા સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો. 59 મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી. 60 જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે, 61 “આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’” 62 ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.” 63 પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.” 64 ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.” 65 ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે. 66 તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.” 67 ત્યારે તેઓએ તેમના મુખ પર થૂંકીને તેમને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે, 68 “ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.” 69 પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકાએ તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.” 70 પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.” 71 તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.” 72 પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” 73 થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.” 74 ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો. 75 જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.